ચૂંટણી પંચ પર રાહુલ ગાંધીના આરોપો સામે સ્મૃતિ ઈરાનીનો પ્રહાર; દેશના 4 રાજ્યોમાં ભાજપ સરકાર નથી, ત્યાં ચૂંટણી પંચ સારું?

ચૂંટણી પંચની કામગીરી મુદ્દે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો સામે ભારતીય જનતા પાર્ટીએ આકરો પલટવાર કર્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં રાહુલ ગાંધીએ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં કથિત ગેરરીતિ અને વોટ ચોરીના આરોપ લગાવી વડાપ્રધાન તેમજ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. આ આરોપો સામે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, આજે લોકશાહી ઢાંચામાં ભારતના લોકો કોંગ્રેસને સમર્થન નથી આપી રહ્યા, જેના કારણે પોતાની હારનું આત્મમંથન કરવાને બદલે પક્ષ ચૂંટણી પંચ પર પ્રહારો કરી રહ્યો છે.
બોગસ અને મૃત મતદારોના નામ મુદ્દે સ્મૃતિ ઈરાનીનો સવાલ
ભાજપ નેતા સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ મતદાર યાદીના વિવાદ પર કોંગ્રેસને ઘેરતા કહ્યું કે, 'કોંગ્રેસના નેતૃત્વએ તે 13 કરોડ 30 લાખ નામોનો ઉલ્લેખ કર્યો છે, જેના સંદર્ભમાં ચૂંટણી પંચ પહેલેથી જ ખુલાસો કરી ચૂક્યું છે. જો મતદાર યાદીમાં કોઈ મૃત વ્યક્તિનું નામ હોય કે પછી કોઈ નામ બે વખત નોંધાયેલું હોય, તો કોંગ્રેસ પાર્ટી એવા મૃતકો અને બોગસ નામોને મતદાર યાદીમાં કેમ ચાલુ રાખવા માંગે છે? ચૂંટણી પંચે સ્પષ્ટ કરી દીધું છે કે BLO પોતે ઘરે-ઘરે જઈને નોટિસ મેળવનાર વ્યક્તિઓના દસ્તાવેજો ચકાસીને ખરાઈ કરશે. ચૂંટણી પંચે આ સ્પષ્ટતા સાર્વજનિક કરી દીધી હોવા છતાં કોંગ્રેસનું નેતૃત્વ ઈચ્છે છે કે મૃત વ્યક્તિઓના નામ પણ મતદાર યાદીમાં યથાવત રહે.'
બ્રિટિશ સામ્રાજ્યના રક્ષણ માટે કોંગ્રેસની સ્થાપના થઈ : સ્મૃતિ ઈરાનીનો દાવો
કોંગ્રેસ દ્વારા લાહોર અધિવેશનના ઉલ્લેખ પર પલટવાર કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, 'મને આશ્ચર્ય થાય છે કે કોંગ્રેસના નેતૃત્વએ લાહોર અધિવેશનનો ઉલ્લેખ કર્યો. જો કોંગ્રેસ ઈતિહાસના પાના પલટાવવા માંગતી હોય તો તેણે દેશ સામે એ પાનું પણ રજૂ કરવું જોઈએ, જેમાં બ્રિટિશ સામ્રાજ્યના સેક્રેટરી રહેલા એ.ઓ. હ્યુમે વાઈસરોય સમક્ષ સૂચન મૂક્યું હતું કે, જો બ્રિટિશ શાસનનું રક્ષણ કરવું હોય તો એક રાજકીય સંગઠન તરીકે કોંગ્રેસની સ્થાપના થવી જોઈએ. બ્રિટિશ સામ્રાજ્યના રક્ષણ માટે જે પક્ષની રચના થઈ હતી, તે કોંગ્રેસ આજે લાહોર અધિવેશનનો હવાલો આપીને ચૂંટણી પંચ પર હુમલો કરી રહી છે, જે અત્યંત શરમજનક છે.'
‘4 રાજ્યોમાં ભાજપની સરકાર નથી, ત્યાં ચૂંટણી પંચ યોગ્ય?’
ચૂંટણી પંચની વિશ્વસનીયતા મુદ્દે સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું કે, 'વર્ષ 2019માં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવાની વાત કરી હતી. ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે, તેમના પર હુમલો કરો, પરંતુ દેશની લોકશાહી અને બંધારણીય સંસ્થાઓ પર પ્રહાર ન કરો. એક નાગરિક તરીકે મારું માનવું છે કે ચૂંટણી પંચ ભારતની લોકતાંત્રિક વ્યવસ્થાને મજબૂત બનાવે છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં જ્યાં ભાજપની સરકાર નથી, શું ત્યાં ચૂંટણી પંચને કોંગ્રેસ ક્લીનચીટ આપી રહી છે?'
ચૂંટણી પંચ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ઘમાસાણ
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ CWCની બેઠકમાં દાવો કર્યો હતો કે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી સંપૂર્ણપણે બોગસ હતી અને EVM તેમજ મતદાર યાદીમાં ગોટાળા કરીને પરિણામો પ્રભાવિત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે SIRની પ્રક્રિયા તાત્કાલિક અટકાવવા અને યાદીમાંથી દૂર કરાયેલા 13.30 કરોડ મતદારોના નામ ફરી જોડવાની માંગ કરી છે. આ મામલે રાહુલ ગાંધીએ અન્ય વિપક્ષી પક્ષોને સાથે લઈને આગળ વધવાની અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની વાત કરી છે, જ્યારે ભાજપે સ્પષ્ટ કર્યું છે કે, કોંગ્રેસ જનાદેશ સ્વીકારવાના બદલે બંધારણીય સંસ્થાઓને નિશાન બનાવી રહી છે.

