Video: ભેસાણ હેડ કોન્સ્ટેબલ આપઘાત કેસમાં માનસિક ત્રાસ આપનાર ચાર સામે ફરિયાદ, ત્રણની ધરપકડ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રોહિતસિંહ વાળાએ આરોપીઓના માનસિક ટોર્ચર અને ખોટા કેસમાં ફસાવવાની ધમકીથી કંટાળીને ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મૃતકના પિતાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મરવા મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ભેસાણના રજનીકાંત ઉર્ફે તજો ખાવડુ, ચંદુભાઈ ખાવડુ અને રાણપુરના વજુભાઈ મકવાણાની ધરપકડ કરી છે, જ્યારે અમરેલીના ફરાર આરોપી વસંત ચાવડાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સો અન્ય પોલીસકર્મીઓને પણ હાઈકોર્ટમાં અરજી કરવાની ધમકી આપતા હતા અને મૃતકના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન કરતા હતા.
જાહેરાત











