JUNAGADH : સોરઠ પબ્લિક સ્કૂલને મહાનગરપાલિકાએ ફટકાર્યો 22 કરોડનો દંડ, જાણો શું છે મામલો
Junagadh News : જુનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલી સોરઠ પબ્લિક સ્કૂલને જુનાગઢ

Junagadh News : જુનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલી સોરઠ પબ્લિક સ્કૂલને જુનાગઢ મહાનગરપાલિકાએ 22 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મહાનગરપાલિકાની જગ્યા પર દબાણ કરવા મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના પ્લોટ અને રસ્તા પર દબાણ કરી વિવિધ બાંધકામ કર્યા
આ અંગે મળતી માહિતી મુજબ ઝાંઝરડા રોડ પર આવેલી સોરઠ પબ્લિક સ્કૂલે દબાણ કરીને મહાનગરપાલિકાની જગ્યાનો પ્લોટ અને રસ્તા પર કબ્જો કરી લીધો હતો. સોરઠ પબ્લિક સ્કૂલના સંચાલકોએ મહાનગરપાલિકાના પ્લોટ અને રસ્તા પર દબાણ કરીને સ્વીમીંગ પુલ, બસ પાર્કિંગ, કમ્પાઉન્ડ વોલ, ગેઈટ ઉભો કરી લીધો છે.
દબાણ સ્વેચ્છાએ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ સ્થળ પર બીજું ફાયર સ્ટેશન બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જે અનુસંધાને મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓએ જગ્યાની તપાસ કરતા આ દબાણ સામે આવ્યું હતું. સોરઠ પબ્લિક સ્કૂલના સંચાલકોને આ દબાણ સ્વેચ્છાએ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. જો કે આ દબાણ દૂર કરવામાં ન આવતા તેમજ ગેરકાયદેસર બાંધકામ અંગે જુનાગઢ મહાનગરપાલિકાએ સોરઠ પબ્લિક સ્કૂલને 22 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મહાનગરપાલિકાની જગ્યા અને તેના પર શાળાએ કરેલું દબાણ
આ અંગે જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડો.ઓમ પ્રકાશે જણાવ્યું કે મહાનગરપાલિકાના આ કપાત પ્લોટમાં આટલી જગ્યાનો સમાવેશ થાય છે :
- 32x7 મીટરનો પ્લોટ
- પ્લોટની બાજુમાં 12 મીટરનો ટીપી રોડ
- પ્લોટની પાછળ 9 મીટરનો ટીપી રોડ
મહાનગરપાલિકાની આ જગ્યા પ્લોટ અને રોડ પર સોરઠ પબ્લિક સ્કૂલના સંચાલકોએ દબાણ કરીને આ બાંધકામો ઉભા કરી દીધા છે :
- તમામ જગ્યાને બાઉન્ડ્રી વોલથી કવર કરી ગેટ મૂકી તાળું માર્યું
- પેવર બ્લોક નાખ્યા
- એક સ્વિમિંગ પૂલ
- પર્મેનેન્ટ ઓટલા અને સ્ટેજ
- ટોયલેટ બ્લોક
- પતરાનું એક ગોડાઉન
- વોલીબોલ કોટ
- બસ પાર્કીંગ
22 કરોડના દંડની ગણતરી કેવી રીતે કરવામાં આવી?
સોરઠ પબ્લિક સ્કૂલના સંચાલકોને ફટકારેલા 22 કરોડના દંડની ગણતરી અંગે મહાનગરપાલિકાના કમિશનર ડો.ઓમ પ્રકાશે જણાવ્યું કે મહાનગરપાલિકાની સામાન્ય સભા અને સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ જગ્યાના 12 રૂપિયા પ્રતિ ચોરસ ફુટ લેખે વર્ષ 2023 અને 2024નો અત્યાર સુધીનો દંડ 22 કરોડ ગણવામાં આવ્યો છે.
બીજી બાજું સોરઠ પબ્લિક સ્કૂલના સંચાલકોએ પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું કે તેમણે કોઈપણ જાતનું દબાણ કર્યું નથી. આ રસ્તો શાળાના બાળકો ચાલવા માટે ઉપયોગ કરે છે.








