જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો હવે જુનાગઢના માછીમારીઓ પણ કર્યો વિરોધ
જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી દરિયામાં છોડવાના સરકારના પ્રોજ

જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારો અને નગરજનો ભારે વિરોધ કરી રહ્યા છે, હવે આ વિરોધ જુનાગઢ જિલ્લામાં પણ શરૂ થયો છે. જુનાગઢ જિલ્લાના માછીમારોએ પણ સરકારના આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે.
સાડા ત્રણ લાખ માછીમારો બેરોજગાર થશે
જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી પાઈપલાઈન મારફતે દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટના પોરબંદર બાદ જુનાગઢના માછીમારોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. આ પ્રોજેક્ટથી સાડા ત્રણ લાખ માછીમારો બેરોજગાર થશે એવી ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે. માંગરોળ, ચોરવાડ પંથકમાંથી લાખો ટન માછલીઓ વિદેશમાં એકસપોર્ટ થાય છે. જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી આ દરિયામાં છોડવામાં આવશે તો આ માછલીનું એક્સપોર્ટ બંધ થશે અને સાડા ત્રણ લાખ માછીમારો બેરોજગાર થશે. ભાજપના અગ્રણી સહિતના આગેવાનોએ કલેકટરને રજૂઆત કરી છે, સાથે જ ચીમકી આપી છે કે મુખ્યમંત્રી અને વડાપ્રધાન યોગ્ય નિર્ણય નહીં લે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
ગુજરાત ખારવા સમાજ મેદાને
જેતપુર પ્રદુષિત પાણી મુદે ગુજરાત ખારવા સમાજ હવે એક મંચ પર આવ્યુ છે. જેતપુર DPC પાઈપલાઈન પ્રોજેક્ટ રદ્દ કરવા ખારવા સમાજ અને પોરબંદરના નગરજનોની પ્રબળ માંગ છે અને ખારવા સમાજની સફળ જનજાગૃતિ રેલી બાદ હવે ગુજરાત ખારવા સમાજે પોરબંદરમાં દરીયાઈ પટ્ટીના ગામના માછીમારોની ઈમરજન્સી બેઠકનું આયોજન કર્યું હતું.
ડીપ સી ડિસ્પોઝલ પાઈપ લાઈન પ્રોજેકટ
ગુજરાત હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુલને ફેકટરીઓ દ્વારા ભાદર નદી તથા અમદાવાદની સાબરમતી નદીમાં કેમીકલયુક્ત પાણી નાખવાનું બંધ કરવાનો આદેશ કર્યા પછી સરકાર દ્વારા ઔદ્યોગિક કંપનીઓને આ કેમીકલયુક્ત પાણી પ્રોપર ટ્રીટ કરી રીયુઝ કરવાના આદેશ કરવાને બદલે આ કેમીકલ વેસ્ટ રાજ્યનાં સમુદ્રમાં નાખવા ડીપ સી ડિસ્પોઝલ પાઈપલાઈન પ્રોજેકતથી દરિયામાં નાખવાની પરવાનગી અપાતા રાજ્યનાં માછીમાર પરિવારોની આજીવિકા સાથે સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિનાં અસ્તિત્વ ઉપર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે.
જેતપુરમાં 2000 ઉપરાંત ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ ઉદ્યોગ
જેતપુર ખાતે 2000 ઉપરાંત ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ ઉદ્યોગ ફેકટરીઓ આવેલ છે. આ તમામ ફેકટરીઓનાં કેમીકલ વેસ્ટ સમુદ્રમાં જતા સમગ્ર રાજ્યનો કાંઠા વિસ્તાર મત્સ્ય વિહોણો બની જશે તેમજ ખોરાકમાં ઉપયોગમાં લેવાતી માછલીઓ આ કેમીકલ વેસ્ટથી પ્રભાવિત થતા લાખો પરિવારો ભયંકર અસાધ્ય રોગોનાં પણ શિકાર બની શકે છે.








