મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત / જજ પત્નીએ RJ પતિને સત્તાનો દુરુપયોગ કરી 55 કલાક જેલમાં ગોંધી રાખ્યાનો આરોપ, 8 જજે કર્યો સુનાવણીનો ઈનકાર!

અમદાવાદમાં રેડિયો જોકી પતિ અને તેમના જજ પત્ની વચ્ચેનો પારિવારિક વિવાદ હાલના દિવસોમાં ખૂબ ચર્ચામાં છે.

ગુજરાત / જજ પત્નીએ RJ પતિને સત્તાનો દુરુપયોગ કરી 55 કલાક જેલમાં ગોંધી રાખ્યાનો આરોપ, 8 જજે કર્યો સુનાવણીનો ઈનકાર!

અમદાવાદમાં રેડિયો જોકી પતિ અને તેમના જજ પત્ની વચ્ચેનો પારિવારિક વિવાદ હાલના દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. આ કેસમાં પતિએ તેમની જજ પત્ની વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.

આ અરજીમાં કથિત રીતે પીડિત પતિએ આરોપ લગાવ્યો છે કે, તેમની જજ પત્નીના સત્તાના પાવરને કારણે પોલીસે કાયદો તોડ્યો અને તેમને બે દિવસ માટે લૉકઅપમાં બંધ કરી દીધા હતા. જ્યારે નિયમ મુજબ અટકાયત કર્યા બાદ આરોપીને 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવો જરૂરી છે.

પોલીસ લૉકએપમાં બંધક બનાવીને રાખ્યોઃ પતિ

આ મામલે આપવીતી સંભળાવતા પીડિત પતિએ કહ્યું હતું કે, કોઈ પણ તેમની અરજીને સાંભળવા માટે તૈયાર નથી. પતિનો આરોપ છે કે, 'પત્નીના જજ હોવાના કારણે તેમની સત્તાના પાવરની જ અસર હતી કે ધરપકડના 24 કલાક બાદ પણ આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ ન કરાયો અને પોલીસ સ્ટેશનમાં મને બંધક બનાવીને રાખ્યો હતો.'

8 જજ કરી ચૂક્યા છે સુનાવણીનો ઈનકાર

એક અહેવાલ પ્રમાણે આ મામલે અત્યાર સુધીમાં 8 જજ સુનાવણીનો ઈનકાર કરી ચૂક્યા છે. રેડિયો જૉકીના જજ પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. જ્યાર બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. આ સમગ્ર ઘટનાને કારણે સ્થાનીક પોલીસ પણ સવાલોના ઘેરામાં છે. લૉકઅપમાંથી છૂટ્યા બાદ આરજે પતિએ કાયદાકીય લડાઈ તેજ કરી દીધી હતી. અને ફરિયાદ બાદ તપાસ શરુ થઈ છે.

21 લાખ RTGSથી ખાતામા જમા ન કરાવે તો....

રેડિયો જોકી અને તેમના જજ પત્ની વચ્ચે અણબનાવ થયો હતો. ત્યારબાદ પત્નીએ પતિ અને સાસુ-સસરા સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન રેડિયો જોકીની 24 ડિસેમ્બરે અટકાયત કરી 55 કલાક ગોંધી રખાયો હતો. પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને જજ પત્નીએ 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાના નિયમનો ભંગ કર્યો હતો. એટલું જ નહીં સાસુ-સસરાને ફોન કરીને 21 લાખ RTGSથી તેના ખાતામાં જમા ન કરાવે તો માર મારવાની ધમકી પણ આપી હોવાના આરોપ રેડિયો જોકી પતિએ જજ પત્ની પર લગાવ્યા છે. 

2015માં થયા હતા લગ્ન

રેડિયો જોકીના 2015માં લગ્ન થયા હતા. ત્યાર બાદ જજ પત્નીની ટ્રાન્સફર માંડવી થઈ હતી. પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ તેણે પાટણમાં કરી હતી. 

HCએ શરુ કરાવી વિજિલન્સ તપાસ

મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર કેસમાં HCએ વિજિલન્સ તપાસ શરુ કરાવી હતી. જજ પત્નીને બે મહિના પહેલા સસ્પેન્ડ કરાયા હોવાનું પણ કાયદાકીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. 

પિટિશનમાં જજ પત્ની સહિત 18 પોલીસ અધિકારીઓના નામનો ઉલ્લેખ

રેડિયો જોકી પતિએ કરેલી અરજીમાં ઉલ્લેખ પ્રમાણે, પોલીસ કસ્ટડી દરમિયાન છૂટાછેડાના કાગળો પર સહીઓ કરાવવા પતિ પર સતત દબાણ કરાયું હતું. ઉપરાંત આ અરજીમાં જજ પત્ની સહિત 18 પોલીસ અધિકારીઓના નામનો ઉલ્લેખ કરી તમામ સામે હોદ્દા અને સત્તાના દુરુપયોગનો આક્ષેપ લગાવ્યો છે.

આ સમાચાર શેર કરો