મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'આવી મુર્ખતા કરી તો તેનું પરિણામ સારૂં નહીં આવે', મેવાણી ભૂપેન્દ્ર દાદાની સરકાર પર કેમ બગડ્યા?

ગુજરાતમાં 4-5 નવા જિલ્લા બનાવવાની વિચારણા ચાલી રહી છે ત્યારે આશ્ચર્યજનક રીતે મહેસાણા જિલ્લામાંથી અલ

'આવી મુર્ખતા કરી તો તેનું પરિણામ સારૂં નહીં આવે', મેવાણી ભૂપેન્દ્ર દાદાની સરકાર પર કેમ બગડ્યા?

ગુજરાતમાં 4-5 નવા જિલ્લા બનાવવાની વિચારણા ચાલી રહી છે ત્યારે આશ્ચર્યજનક રીતે મહેસાણા જિલ્લામાંથી અલગ કરીને વડનગરને નવો જિલ્લો બનાવાશે એવું પણ કહેવાય છે. વડનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન હોવાથી દેશભરમાં જાણીતું છે. વડનગર જિલ્લામાં મહેસાણા તેમજ બનાસકાંઠામાંથી કેટલાક તાલુકાને અલગ કરીને આ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. બનાસકાંઠામાંથી વડગામને પણ અલગ કરીને વડનગર જિલ્લામાં સમાવેશ કરવાની વાતો વહેતી થઇ છે. આ વાતને લઇને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?

વડગામને નવા બનવા જઇ રહેલા વડનગર જિલ્લામાં સમાવેશ કરવાની વહેતી થયેલી વાતો વચ્ચે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, "હજુ સત્તાવાર જાહેરાત થઇ નથી પણ વડગામને ઊંચકીને વડનગર જિલ્લામાં મુકવાની જે વાતો વહેતી થઇ છે, આવી મુર્ખતા રાજ્ય સરકારે કરી તો તેનું પરિણામ સારૂં નહીં આવે. સમગ્ર વડગામ અને હું લડવા માટે તૈયાર છીએ. ઉગ્ર આંદોલન માટે રાજ્ય સરકાર તૈયાર રહે. હજુ સુધી આ મુદ્દે હું ખાસ કંઇ બોલ્યો નથી અને ઓફિશિયલ જાહેરાત થઇ નથી પણ આવો ચાળો બિલકુલ ના કરતા એવું હું ભાજપને કહેવા માંગુ છું."

વધુમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે, "તમારે જો વડગામનું ખરેખર હિત કરવું હોય તો કરમાવત અને મુક્તેશ્વરમાં પાણી લાવો. વંચિત લોકોને ઘરના પ્લોટ આપી દો, આવાસ યોજનાનો લાભ આપો, શૈક્ષણિક સંસ્થાઓને ગ્રાન્ટેડ બનાવો, GIDC યુનિટ બનાવો. કરવાનું છે તે કામ કરતા નથી અને વડગામના લોકોને હેરાન કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે તે બંધ થવો જોઇએ."

ગુજરાતમાં નવા જિલ્લા બનાવવાની કવાયત

રાજ્યમાં હાલ 33 જિલ્લાઓ છે, ત્યારે 3 નવા જિલ્લા બનાવવાને લઇને સરકારમાં વિચારણા ચાલી રહી છે. જેમાં બનાસકાંઠા, કચ્છ, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં નવા જિલ્લા બનાવવામાં આવી શકે છે. બનાસકાંઠામાંથી થરાદ, પાટણમાં રાધનપુર, અમદાવાદમાંથી વિરમગામ અને મહેસાણામાંથી વડનગરને નવા જિલ્લાનો દરજ્જો મળી શકે છે. સરકારી બાબુઓ દ્વારા આ અંગે સર્વે કરી અહેવાલ સુપ્રત કરી દેવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો