મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચાંદીપુરા વાયરસ: જામનગરની G.G. સિવિલ હોસ્પિટલમાં બે બાળકોના મોત

જામનગરની સરકારી જીજી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જામનગરના ગુલાબ નગર વિસ્તાર

ચાંદીપુરા વાયરસ: જામનગરની G.G. સિવિલ હોસ્પિટલમાં બે બાળકોના મોત

જામનગરની સરકારી જીજી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના એક બાળકનું તેમજ લાલપુરના એક બાળકનું ચાંદીપુરા વાયરસની બીમારીના કારણે મૃત્યું નિપજતાં હોસ્પિટલ વર્તુળમાં ભારે દોડધામ થઈ છે. આ ઉપરાંત અન્ય બે બાળ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

 બે બાળ દર્દીઓના મોત

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના એક બાળકને ગઈકાલે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ જણાયા હોવાથી ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મૃત્યુ નિપજ્યું છે. આ ઉપરાંત મંગળવારે સારવાર અર્થે આવેલા લાલપુરના 11 વર્ષને 8 માસના એક બાળકનું આજે સવારે (બુધવારે) સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં હોસ્પિટલ વર્તુળમાં દોડધામ થઈ છે.

જામનગર અને લાલપુર આરોગ્ય વિભાગની ટુકડી પણ દોડતી થઈ છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુર વાયરસની બીમારીના કારણે મૃત્યુનો આંક 3 નો થયો છે. અને હાલ 4 બાળ દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ઉપરાંત જામનગર તાલુકાના સિક્કા ગામની છ વર્ષની એક બાળકી તેમજ લાલપુરના પડાણાની પાંચ વર્ષની એક બાળકીની જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર મેળવી રહ્યા છે, જે બંને બાળદર્દીના રિપોર્ટ આજે સવારે નેગેટિવ આવ્યા છે. જેથી આરોગ્ય તંત્ર એ થોડો રાહતનો શ્વાસ લીધો છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ 

ગુજરાતમાં મંગળવારે (23 જુલાઈ) ચાંદીપુરાના શંકાસ્પદ 14 કેસ નોંધાયા હતા. આ સાથે જ શંકાસ્પદ કેસનો આંક વધીને 101 થયો છે. પોઝિટિવ કેસમાં હજુ કોઈ વધારો થયો નથી અને તે હાલ 22 છે. આજે અમદાવાદ કોર્પોરેશન અને ગાંધીનગર ગ્રામ્યમાંથી 1-1ના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયા છે. આ સાથે જ શંકાસ્પદ ચાંદીપુરાથી મરણાંક વધીને 38 થયો છે.

ચાંદીપુરાથી સૌથી વધુ પંચમહાલમાં પાંચ જ્યારે અમદાવાદમાં ચારના મૃત્યુ થયા છે. ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઈટિસ (શંકાસ્પદ ચાંદીપુરા)ના 49 કેસ છે અને તેમાંથી 14ને રજા અપાઈ છે. રાજસ્થાનના કુલ 3 કેસ છે અને તેમાંથી બે દર્દી દાખલ છે જ્યારે 1નું મૃત્યુ થયું છે. મધ્યપ્રદેશના બે દર્દીઓ પણ હાલ ગુજરાતમાં સારવાર લઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો