ટ્રક અકસ્માતમાં ત્રણ શ્રમિકોને ઇજા, સમાધાન ન થતાં 42 દિવસે ફરિયાદ

જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામ નજીક ઇંટો ભરીને જતો આઇસર ટ્રક પલટી મારી જતાં ત્રણ શ્રમિકો ઘવાયા હતા. આ અકસ્માતમાં એક શ્રમિકને ડાબા પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ હતી, જ્યારે અન્ય બે શ્રમિકોને શરીરે છોલછાલ થઈ હતી.
10 ઓક્ટોબરે થયો હતો અકસ્માત
આ બનાવ અંગે જોડિયા તાલુકાના હરફજો ગામના ચામુંડા પ્લોટમાં રહેતા પાલજીભાઈ બેચરભાઈ પરમાર (ઉં.વ. 43)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તા. 10 ઓક્ટોબરના રોજ સાંજના સમયે તેઓ દિપકભાઈ વાઘેલા અને ચંદુભાઈ વાઘેલા સાથે માણેકપર રોડ પાસે આવેલા અનિલભાઈ ભીખાભાઈ વાઘેલાના ઇંટના ભઠ્ઠામાંથી ઇંટો ભરી આઇસર ટ્રકમાં બેસીને હડિયાણા ગામે જવા નીકળ્યા હતા.
દરમિયાન સાંજે આશરે છ વાગ્યાના અરસામાં વાવડી ગામ પહેલાં પહોંચતાં ટ્રકના ચાલક અનિલભાઈ ભીખાભાઈ વાઘેલાએ વાહન ગફલતભરી અને બેફિકરાઈથી હંકારતાં ટ્રક પલટી મારી ગયો હતો. અકસ્માતમાં પાલજીભાઈને ડાબા પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ હતી, જ્યારે દિપકભાઈ અને ચંદુભાઈને પણ શરીરે છોલછાલ થઈ હતી.
ત્રણેય ઇજાગ્રસ્તોને પ્રથમ હડિયાણા સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ પાલજીભાઈને 20 ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સમાધાન નહીં થતાં આખરે 42 દિવસ બાદ નોંધાઈ ફરિયાદ
અકસ્માત બાદ ટ્રકચાલક તેમના સમાજનો હોવાથી સમાધાન માટે વાતચીત ચાલતી હતી. જોકે, સમાધાન નહીં થતાં આખરે અકસ્માતના 42 દિવસ બાદ પાલજીભાઈએ જોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રકચાલક અનિલભાઈ ભીખાભાઈ વાઘેલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.















