જામનગરના વાવડીમાં ખેડૂતનો આપઘાત, દુષ્કાળને કારણે પાક નિષ્ફળ જતાં ભર્યું અંતિમ પગલું

રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ અને ખેતીમાં થયેલા નુકસાન વચ્ચે જામનગરના વાવડી ગામમાંથી અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામના 47 વર્ષીય ખેડૂત હેમંતભાઈ મકવાણાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે દુષ્કાળના કારણે ખેતીમાં કોઈ ઉત્પાદન થયું ન હતું. ખેતી નિષ્ફળ જતાં પરિવાર આર્થિક સંકડામણમાં મુકાયો હતો.
ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું
પરિવારજનોએ જણાવ્યું હતું કે ખેતીમાં આવક ન થતાં ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું. ઘરમાં ખાવાના પણ સાંસા હોવાથી પરિવારને પોતાના બે બળદ વૃદ્ધાશ્રમમાં મૂકવાની ફરજ પડી હતી. બીજી તરફ, નાનાં બાળકો અને પરિવારના ભરણપોષણની ચિંતા સતત સતાવતી હતી. ખેતીમાં નુકસાન ઉપરાંત આર્થિક તંગી અને દેવાના ભારણને કારણે હેમંતભાઈ ભારે માનસિક તાણમાં હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
પરિવારજનોમાં શોકની લાગણી
મળતી માહિતી મુજબ, ગત રાત્રે હેમંતભાઈ વાડીએ ગયા હતા, જ્યાં તેમણે આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. એક તરફ ખેતીમાં નુકસાન અને બીજી તરફ પરિવારના ગુજરાનની ચિંતાએ પરિવારને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધો છે.
આ દુઃખદ ઘટના બાદ ગામના સરપંચ અને ગ્રામજનોએ સરકાર સમક્ષ અસરગ્રસ્ત પરિવારને આર્થિક સહાય આપવાની માગ કરી છે. દુષ્કાળ અને ખેતીમાં નુકસાનને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે તંત્ર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે.















