મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામનગરમાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થતાં દુર્ઘટના: કાટમાળ નીચે દટાયેલા 3 શ્રમિકોમાંથી એકનું મોત, બે ઈજાગ્રસ્ત

જામનગરમાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થતાં દુર્ઘટના: કાટમાળ નીચે દટાયેલા 3 શ્રમિકોમાંથી એકનું મોત, બે ઈજાગ્રસ્ત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જામનગર શહેરના મહાવીર સોસાયટી વિસ્તારમાં ગીતા મંદિર પાસે શુક્રવારે (30 ઓક્ટોબર) જૂના મકાનની જર્જરિત દિવાલનો ભાગ અચાનક ધરાશાયી થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. દિવાલનો કાટમાળ નીચે કામ કરી રહેલા ત્રણ શ્રમિકો દટાઈ ગયા હતા. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ત્રણેય શ્રમિકોને બહાર કાઢ્યા હતા. જોકે, આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સુનીલ નામના શ્રમિકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે શ્રમિકો ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જૂની દિવાલ ઉતારવાની કામગીરી દરમિયાન દુર્ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર, મહાવીર સોસાયટી વિસ્તારમાં ગીતા મંદિર પાસે જયુ દાસાણી નામના વ્યક્તિના મકાનમાં જૂની દિવાલ તોડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જર્જરિત દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો. દિવાલનો કાટમાળ ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો સુનીલ, કારુ અને જતીન ચૌહાણ પર પડતાં ત્રણેય તેની નીચે દટાઈ ગયા હતા.

ફાયર બ્રિગેડે ત્રણેય શ્રમિકોને બહાર કાઢ્યા

ઘટનાની જાણ થતાં જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ત્રણેય શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમાંથી સુનીલની હાલત અત્યંત ગંભીર હતી. હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત કારુ અને જતીન ચૌહાણને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃતક અને એક ઈજાગ્રસ્ત મધ્યપ્રદેશના વતની

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક સુનીલ અને ઈજાગ્રસ્ત કારુ મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં સિટી 'બી' ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો