મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar News: પોલીસ ટીમ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવા પહોંચી અને આરોપી રફુચક્કર

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગઇકાલ

Jamnagar News: પોલીસ ટીમ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવા પહોંચી અને આરોપી રફુચક્કર

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગઇકાલે (21 ડિસેમ્બર) એક વાહન ચોર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં તેને સોંપવામાં આવ્યો હતો, જે પોલીસ ટીમ આજે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવા પહોંચી હતી, તે દરમિયાન લાપરવાહીના કારણે આરોપી રફુચક્કર થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી છે, આરોપીને પકડવા માટે પોલીસની તમામ એજન્સીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું છે.

ચાર વાહનનો ચોર ગયો તો ગયો ક્યાં?

જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારમાંથી એકી સાથે ચાર વાહનોની ચોરી કરનારા આરોપી અલબાજ ઉર્ફે અરબાજ ફારૂકભાઇ કટારીયાને એલસીબીની ટુકડીએ રવિવારે સાંજે ઝડપી લીધો હતો, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો હતો.

કોર્ટ પરિસરમાં ફિલ્મી દ્રશ્યો

દરમિયાન સોમવારે એટલે કે આજે 22 ડિસેમ્બરના રોજ બપોરે સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે આરોપીને જામનગરની કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટ કમ્પાઉન્ડમાં પોલીસને ચકમો આપીને આરોપી અલબાઝ ભાગી છૂટતા ભારે ધમાચકડી થઈ હતી, કોર્ટ પરિસરમાં જ દોડાદોડીના કારણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જોકે આરોપી જોત જોતાંમાં છૂમંતર થઈ ગયો હતો અને પોલીસના હાથમાં આવ્યો ન હતો. 

મોટા પાયે કોમ્બિંગ શરૂ કરાયું

જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈનિ દ્વારા શહેરની તમામ પોલીસ એજન્સીઓને કામે લગાડી હતી, અને સીટી ડી.વાય.એસ.પી. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ, પેરોલ ફર્લોની ટીમ ,સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ અને સી. ડિવિઝનની પોલીસ ટુકડીઓ દ્વારા આરોપીને શોધવા માટેની કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.

રાત્રિના અંધારામાં બાઈક કરતો ચોરી

મુખ્ય આરોપી અરબાજ કટારીયા કે જે જામનગર શહેરમાં મોડી રાત્રિના રખડતો ભટકતો અને કોઈ રહેણાક-મકાન કે દુકાનની બહાર મોટરસાયકલ પડેલા દેખાય તો તેની ચોરી કરી અને પોતે હાથી પગપાળા ચલાવીને પોતાના મિત્રના ઘર સુધી લઈ જતો. અને ડેલા પાસે મૂકી દેતો હતો. ત્યારબાદ સવારે તેમાં ચાવી લગાડી અથવા તો ડાયરેક્ટ કરીને ત્યાંથી ઉઠાવી જતા હતા.

આ સમાચાર શેર કરો