CID ક્રાઈમના તપાસના નામે સર્ચ કરવા અંગેનો વિવાદ હાલ શાંત પડયો, ગૃહમંત્રી આવીને બધો હિસાબ લેશે એ નક્કી!
ગુજરાત પોલીસ વિભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી IPS અધિકારીઓ વચ્ચેનો ગજગ્રાહની ચર્ચાએ

ગુજરાત પોલીસ વિભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી IPS અધિકારીઓ વચ્ચેનો ગજગ્રાહની ચર્ચાએ ગાંધીનગરથી દિલ્હી સુધી માહિલ ગરમાવી દીધો છે. કરોડો રૂપિયાની ઠગાઈની અરજીને ફરિયાદમાં રૂપાંતરિત કરવાના કાવતરામાં લાખો રૂપિયાનો તોડ થયો હોવાની વાતો પોલીસ વર્તુળમાં ચાલી રહી હતી. જેના પગલે પોલીસ વડાએ સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ને તપાસ સોંપી હતી, જે બાદ SMCએ ગત મંગળવારના રોજ આર્થિક ગુના નિવારણ શાખા (EOW) તપાસ શરુ કરી હતી. બસ તે દિવસથી IPS બેડામાં અનેક તર્ક વિતર્ક શરુ થઇ ગયા હતા. જો કે SMCની તપાસના અંતે EOWના પીએસઆઈની શંકાસ્પદ ભૂમિકા હોવાનું લગતા રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ PSI એસ.ડી.સિસોદિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
ત્યારબાદથી વિવાદનો મધપુડો એટલી હદે વકર્યો હતો, કે ગાંધીનગર પોલીસ ભવનના પાર્કિંગથી લઈને CID ક્રાઈમના EOW વિંગની બિલ્ડીંગ સુધી રોજે રોજ નવી વાતો સાંભળવા મળી રહી હતી. પરંતુ હાલ એક નવી ચર્ચાએ જોર પકડયું છે કે હાલ, સમગ્ર મામલા પર ઠંડુ પાણી ફેરવી દેવામાં આવ્યું છે. પણ રાજ્યના ગૃહમંત્રી પ્રવાસથી ફરીને પાછા ગાંધીનગરમાં આવશે ત્યારબાદ સમગ્ર મામલમાં સંડોવાયેલા લોકોની હિસાબ જરૂરથી કરવામાં આવી શકશે તેવી અટકળો પણ વહેતી થઇ છે.
CID ક્રાઈમના EOW વિભાગમાં ભ્રષ્ટાચારની વાતો પોલીસ બેડામાં અને IPS મેસમાં તથા મીડિયા જગતમાં જોરશોરથી ચાલી રહી છે. ભ્રષ્ટાચાર થયો છે કે નહી તે અંગેના સાંયોગીંક પુરાવા મળ્યા હશે પરંતુ હજુ સુધી સામે આવ્યા નથી. ત્યારે આવી પરિસ્થતિમાં વાસ્તવિકતા અંગેનો ચિતાર ખુલ્લો પાડવો હોય ત્યારે ભૂતકાળમાં CID ક્રાઈમના વડાના કાર્યકાળ દરમિયાન થયેલી અરજીઓ તથા ફરિયાદોનું વર્ગીકરણ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો પણ ઘણાં અધિકારીઓ વિરુદ્ધ ઈન્કવાયરી બેસી શકે છે અને કેટલાંક લોકોને ઘરે બેસવાનો વારો પણ આવી શકે છે.
ભૂતકાળમાં મહાઠગ સપના તુલી અને જીગર તુલી (બંને દંપતી) શેર માર્કેટમાં બમણો નફો અપાવીશું કહીને લોકો સાથે કરોડો રૂપિયાની ચીટીંગ આચર્યું હતું. લોકોના કરોડો રૂપિયા ચાઉં કર્યા બાદ દંપતી એક બાહુબલી IPSની દેખરેખ હેઠળ ઘણા મહિનાઓ સુધી ફરાર રહ્યા હતા.પણ જયારે આ મામલે ફરીયાદીએ હાઈકોર્ટમાં અરજી કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટની લપડાક CID ક્રાઈમના જે તે સમયના વડાને પડતા તંત્ર હરકતમાં આવ્યું હતું.
વધુમાં જો તપાસ કરવાની ઈચ્છા શક્તિ હોય તો જાન્યુઆરીથી ડીસેમ્બર મહિના સુધીમાં થયેલી અરજી અને ફરિયાદોની ઉલટ તપાસ કરવામાં આવે, જેમ કે કબૂતરબાજી, ઠગાઈ સહિતની અનેક અઢળક અરજીઓ તેમજ ફરિયાદો પણ નોંધાઈ હતી. જે મામલે કાર્યવાહી અથવા તો તપાસ એજન્સીને સ્ટેટ મોનિટરિંગને સોંપવામાં આવે તો હાલ જે અધિકારીને ખાલી પડેલી જગ્યા પર મુકવામાં આવ્યા તેમની હાલત એટલી કફોડી બની જશે કે સાવ ખાડાનું પોસ્ટીંગ અથવા તો પોલીસ અધિકારીઓ માટે સજાનું પોસ્ટીંગ કહેવાય છે તેવી જગ્યા પર જવાનો વારો આવીને ઉભો રહી શકે છે.








