Video/ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ: ગુજરાતના 25000 લોકો ફસાયા હોવાનો અંદાજ, GCCI દ્વારા મદદ માટે કવાયત શરૂ
અમદાવાદ: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પશ્ચિમ એશિયા


અમદાવાદ: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. આ સંઘર્ષની વચ્ચે ગુજરાતના અનેક પ્રવાસીઓ અને વ્યવસાયિકો ત્યાં ફસાયા છે. જેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (GCCI) સક્રિય બન્યું છે.
25000 ગુજરાતીઓ ફસાયા હોવાનું અનુમાન
GCCIની ટુર્સ એન્ડ ટ્રાવેલ કમિટીના ચેરમેન સંજીવ છાજરે જણાવ્યું હતું કે, પ્રાથમિક અનુમાન મુજબ ગુજરાતના આશરે 25000 જેટલા લોકો હાલમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા હોઈ શકે છે. ચેમ્બર દ્વારા આ લોકોના સંપર્ક સાધવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
સરકાર દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા
રાહતના સમાચાર એ છે કે જે ગુજરાતીઓ ત્યાં ફસાયા છે, તેમાંથી અનેક લોકો સાથે સંપર્ક થઈ શક્યો છે. સંજીવ છાજરે વધુમાં માહિતી આપી હતી કે ફસાયેલા લોકોને ત્યાંની સરકાર દ્વારા સુરક્ષિત રીતે હોટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમના રહેવા અને જમવાનો તમામ ખર્ચ ત્યાંની સરકાર ભોગવી રહી છે. હાલમાં કોઈએ પણ ગભરાવાની કે પેનિક (Panic) કરવાની જરૂર નથી.
GCCI ની કેન્દ્ર સરકારને રજૂઆત
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારને પત્ર લખીને રજૂઆત કરશે. તેમની મુખ્ય માંગણી છે કે જ્યારે પણ હવાઈ સેવાઓ (Flight Services) ફરી શરૂ થાય, ત્યારે ખાસ મોટી એરબસ (Airbus) મોકલવામાં આવે. આ વિમાન દ્વારા તમામ પેસેન્જરોને ઝડપથી અને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવી શકાય.
GCCI દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને વિદેશ મંત્રાલય સાથે પણ સંકલન સાધવાની તૈયારીઓ ચાલી રહી છે.







