નસવાડી ભાજપમાં ભડકો, TDOની હાજરીમાં વિકાસના કામોના આયોજન કરવા જિલ્લા પ્રમુખને પત્ર લખાતા હડકંપ
નસવાડી તાલુકા માટે ગુજરાત પેટર્નના આયોજનમાં

નસવાડી તાલુકા માટે ગુજરાત પેટર્નના આયોજનમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સભ્યો સાથે પરામર્શ કરી તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં આયોજન કરવા જિલ્લા ભાજપ પ્રમુખને 15 તાલુકા પંચાયત સભ્યો અને 2 જિલ્લા પંચાયત સભ્યોની સહી વાળો પત્ર લખતા ભાજપમાં હડકંપ મચી ગયો છે.
સભ્યોનો આક્ષેપ
નસવાડી તાલુકા પંચાયતમાં 22 જેટલા સભ્યો ચૂંટાયેલા છે. જેમાં ભાજપના 11 જેટલા સભ્યો છે. 6 જેટલા સભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવી જતા 17 સભ્યો કુલ છે. જેમાં 15 જેટલા તાલુકા પંચાયત સદસ્યો અને 2 જિલ્લા પંચાયત સદસ્યો ભેગા મળીને એક પત્ર જિલ્લા ભાજપ પ્રમુખને લખ્યો છે. જેમાં તમામ સદસ્યોએ સહી કરી છે. સાથે સભ્યોનો આક્ષેપ છે કે, ગુજરાત પેટર્ન યોજનામાં આદિવાસી વિસ્તારમાં વિકાસના કામોનું આયોજન અત્યાર સુધી ભાજપના સંગઠન દ્વારા કરવામાં આવે છે. જેમાં સભ્યોને અન્યાય થાય છે. આ આયોજનમાં તાલુકા વિકાસ અધિકારી અને સભ્યો સાથે મળીને આયોજન કરે તો સભ્યોને સરખા ભાગે કામો પોતાના મત વિસ્તારમાં વિકાસ થાય હાલ તો વીતેલા ત્રણ વર્ષમાં સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
અન્યાય થતાનો આક્ષેપ
ચૂંટાયેલી પાંખના સભ્યોએ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખતા તાલુકા ભાજપના સંગઠનની પોલ ખુલી ગઈ છે. નસવાડી તાલુકામાં સંગઠનના હોદ્દેદારો વિકાસના કામો પોતાની માનીતી ગ્રામ પંચાયતોમાં મૂકી દેતા સદસ્યોના મતવિસ્તારમાં કામો ના થતાં સદસ્યો ગામડાઓમાં જઈ શકતા પણ ના હતા. મલાઈ દાર વહીવટ માં સંગઠન ચંચુપાત કરીને વિકાસના કામો મેળવી જઈને સભ્યોને અન્યાય કરતા હતા.
ગજગ્રાહ બહાર આવ્યો
15 તાલુકા પંચાયત સભ્યો અને 2 જિલ્લા પંચાયત સભ્યો ભેગા થઈને પત્ર લખતા ભાજપમાં બે જૂથ ચાલી રહ્યા છે. ચૂંટાયેલી પાંખના સભ્યો સંગઠન સામે મોરચો માંડતા સંગઠનની એકતાની વાતો કરતી ભાજપની આબરૂને બટ્ટો લાગ્યો છે. નસવાડી તાલુકામાં ભાજપમાં આ જૂથ વાદથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ગંભીર અસર પડશે તેવું લાગી રહ્યું છે. જ્યારે સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે હાલ તો ગજગ્રાહ બહાર આવ્યો છે.








