કમળા જેવા ચેપી રોગે હાલોલને ભરડામાં લીધું, આરોગ્ય વિભાગે નગર પાલિકાને આપ્યા સૂચનો
હાલોલમાં કમળા જેવા ચેપી રોગે ભરડો લીધો હોવાનું જોવા મળ્યું. હા

હાલોલમાં કમળા જેવા ચેપી રોગે ભરડો લીધો હોવાનું જોવા મળ્યું. હાલોલના કેટલાક વિસ્તારોમાંથી કમળા કેસ સતત સામે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા બે સપ્તાહમાં હાલોલ નગરમાંથી બે ડઝન જેટલા દર્દીઓ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા છે. જયારે ખાનગી હોસ્પિટલ્સમાં કમળાના દર્દીઓનો આંક સરકારી હોસ્પિટલ કરતા વધુ છે.
રોગચાળાને નિયંત્રણમાં લેવાના પ્રયાશો શરૂ
હાલોલ નગરમાં કમળાના કેસ પાવાગઢ રોડ ઉપરના વિસ્તારમાંથી સૌથી વધુ જોવા મળી રહ્યા છે. જે વિસ્તારમાં કમળાના દર્દીઓ જોવા મળી રહ્યા છે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે ઘરે ફરીને બીમાર જણાય તેવા લોકોનો સર્વે કરી રહ્યા છે. તે સાથે રોગચાળાને નિયંત્રણ રાખવા માટે જરૂરી સૂચનાઓ પણ લોકોને આપી રહ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાને સૂચન
ત્યારે આરોગ્ય વિભાગે હાલોલ નગરપાલિકાને માહિતગાર કરી છે કે નગરમાં ખાણીપીણીની લારીઓ ઉપર ચકાસણી કરવાનું જણાવવામાં આવ્યું છે. જ્યાં ખુલ્લો ખોરાક જોવામાં આવે ત્યાં જરૂરી પગલાં લેવાનું પણ સૂચવવામાં આવ્યું છે. કમળો દુષિત પાણીને કારણે થતો હોવાને કારણે ખાણીપીણીની લારીઓ ઉપરના પાણીની ચકાસણી કરવા પણ આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.








