રામોલમાં તંત્રએ મુખ્ય માર્ગ પર રોડ બનાવ્યો પણ વચ્ચેથી ઝાડ ન હટાવ્યું! વળાંક અને અંધારાને કારણે સર્જાયા 3 અકસ્માત

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પૂર્વ વિસ્તારમાં સામે આવ્યો છે. રામોલ પોલીસ સ્ટેશનથી રામોલ ગામ થઈને સીધા એસ.પી. રિંગ રોડને જોડતા મુખ્ય માર્ગ પર નવો ડામર રોડ તો બનાવી દેવાયો, પરંતુ રસ્તાની બરાબર વચ્ચે રહેલા વિશાળ નાળિયેરીના ઝાડને હટાવવાની તંત્રએ તસદી લીધી નથી. લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ સુંદર રસ્તો હવે ત્યાંથી પસાર થતા હજારો વાહનચાલકો અને સ્થાનિક લોકો માટે જીવનું જોખમ બનીને ઊભો છે.
વળાંક અને અંધારાના કારણે 3 અકસ્માતો સર્જાયા
સીટીએમ તરફથી આવતા-જતા વાહનોની આ રોડ પર દિવસ-રાત ભારે અવરજવર રહે છે. રસ્તા પર વળાંક હોવા ઉપરાંત વચ્ચે ઊભેલા ઊંચા ઝાડના કારણે સ્ટ્રીટલાઈટનો પ્રકાશ પણ રસ્તા પર યોગ્ય રીતે પડતો નથી. પરિણામે, ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોને માર્ગની વચ્ચે રહેલું આ ઝાડ છેક નજીક પહોંચે ત્યાં સુધી દેખાતું નથી. આ જીવલેણ અડચણને લીધે અત્યાર સુધીમાં અહીં 3 જેટલા નાના-મોટા અકસ્માતો થઈ ચૂક્યા છે. વારંવાર બનતી આ દુર્ઘટનાઓને ધ્યાને લઈને ટ્રાફિક પોલીસે પણ આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખીને આ જોખમી ઝાડ તાત્કાલિક હટાવવા જાણ કરી છે.
તંત્ર મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકોમાં ઉગ્ર રોષ
સ્થાનિક રહીશો દ્વારા અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં AMCના અધિકારીઓ કે ઈજનેરો સ્થળ તપાસ કરવાની પણ તસ્દી લેતા નથી. રોડ બનાવતી વખતે જ આવી ગંભીર બેદરકારી દાખવવામાં આવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું તંત્ર કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે? જો સમયસર આ વૃક્ષને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવામાં નહીં આવે કે હટાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં અહીં મોટી જાનહાનિ સર્જાવાની પૂરી શક્યતા છે.















