મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં બળવાખોરી, ગુજરાતમાં ભાજપના મેન્ડેટ છતાં એક જગ્યા સામે 3 ઉમેદવારો મેદાનમાં

ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરની આગામી 9 મેએ ચૂંટણી યોજવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે

સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં બળવાખોરી, ગુજરાતમાં ભાજપના મેન્ડેટ છતાં એક જગ્યા સામે 3 ઉમેદવારો મેદાનમાં

ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરની આગામી 9 મેએ ચૂંટણી યોજવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે ગુજરાત ભાજપ તરફથી સહકાર સેલના બિપીન-પટેલ-ગોતાના નામને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. આ પછીય ફોર્મ ભરનારા જયેશ રાદડિયા અને પંકજ પટેલે ફોર્મ પાછું ન ખેંચતા એક જ બેઠક માટે ત્રણ ત્રણ ઉમેદવાર મેદાનમાં છે. ઇફકોની ચૂંટણીમાં અમિત શાહની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેમ લાગે છે. જયેશ રાદડિયાને અમિત શાહ મનાવવામાં નિષ્ફળ રહ્યાં છે.

આ સંજોગોમાં ગુજરાતના 180 મત વિભાજિત થઇ જવાની સંભાવના છે. બીજી તરફ રાજ્યસ્તરેથી મેળવવામાં આવેલા મેન્ડેટની માફક જ કેન્દ્ર સ્તરેથી નવા મેન્ડેટ ઇશ્યૂ થવાની શક્યતા છે. સહકારી ક્ષેત્રના મોભી અને કેન્દ્રિય સહકારિતા મંત્રી અમિત શાહ આ મુદ્દે વિટો વાપરે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

ભાજપમાં સહકારી ક્ષેત્રે બળવાખોરી સામે આવી

જોકે, શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં આ સાથે જ બળવાખોરી ઊભી થઇ હોવાની લાગણી બુલંદ બની છે. આ બળવાખોરો સામે કડકમાં કડક પગલાં લેવાની માંગણી પણ ગુજરાત ભાજપ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલા બિપીન પટેલ (ગોતા)એ બળવાખોરો સામે શિસ્ત ભંગના પગલાં લેવાની લાગણી વ્યક્ત કરી છે.

જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના એક વગદાર નેતા હોવાને નાતે ઇફકોના ડિરેક્ટર પદ માટે પોતાનો દાવો આગળ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના મત પર તેમનું સારૂ વર્ચસ્વ છે. તેમ જ મોડાસાના પંકજ પટેલ પણ ખાસ્સા મતો ધરાવે છે. આ મતોનું વિભાજન થતાં અણધાર્યું પરિણામ આવી શકે છે. આ બન્ને ઉમેદવારો કેન્દ્રની નેતાગીરી તરફથી તેમના નામનું મેન્ડેટ મેળવવા પ્રયત્નશીલ બન્યા છે. આ ઘટના દર્શાવે છે કે ભાજપના સહકાર ક્ષેત્રમાં બે તડાં પડી ગયા છે.

જયેશ રાદડિયા નારાજ

જયેશ રાદડિયાને પોરબંદરથી લોકસભાની ટિકિટ ના મળતા તેમના સમર્થકોમાં નારાજગી હોવાની ચર્ચા ચાલી રહી છે. વિઠ્ઠલ રાદડિયા ઇફકોમાં ગુજરાતનું પ્રતિનિધિત્ત્વ કરતા હતા. વિઠ્ઠલ રાદડિયા બાદ હાલ જયેશ રાદડિયા રાજકોટ સહકારી બેન્કના વડા તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો