Ahmedabad news: બહુ ચર્ચિત હાટકેશ્વર બ્રિજ તોડવા માટે IIT ગાંધીનગરની લીલીઝંડી
અમદાવાદના હાટકેશ્વરમાં આવેલા હયાત બ્રિજને તોડી પાડવા આઈ.આઈ.ટી.ગાંધીનગર દ્વાર

અમદાવાદના હાટકેશ્વરમાં આવેલા હયાત બ્રિજને તોડી પાડવા આઈ.આઈ.ટી.ગાંધીનગર દ્વારા ડિમોલીશનની મેથેડોલોજીને મંજૂર કરાઈ છે. પહેલા બ્રિજના સ્પાનના બંને બાજુના ક્રેશ બેરીએરને તોડીને દૂર કરવામા આવશે. બ્રિજ તોડવાની કામગીરી મુંબઈ સ્થિત શ્રી ગણેશ કન્સ્ટ્રકશનને 3.90 કરોડ રૂપિયાના ખર્ચે અપાયેલ છે.
વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવશે
કોન્ટ્રાકટર દ્વારા બ્રિજના ડિમોલીશનની મેથેડોલોજીને આઈ.આઈ.ટી.ગાંધીનગર દ્વારા મંજૂર કરાઈ છે. જેમાં મુખ્ય સ્પાનોમાં કોન્ટ્રાકટર દ્વારા ટેમ્પરરી સપોર્ટ સિસ્ટમ જેમ કે ક્રિબ્સ અને ટ્રેસલ્સ મુકવામા આવશે. બંને બાજુના કેન્ટી લેવર પોર્શનને અલગ અલગ સેગમેન્ટમાં ડાયમંડ કટર મેથડથી કટ કરી સલામત રીતે દૂર કરવામા આવશે. કામગીરી દરમિયાન જાહેર જનતાની સલામતીને ધ્યાનમા રાખીને વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવશે. વૈક્લિપક રૂટનો ઉપયોગ કરવા દિશા સુચક બોર્ડ મુકાશે. આસપાસના રહેવાસીઓ અને વેપારીઓની સલામતીને ધ્યાનમા રાખીને સર્વિસ રોડ ઉપર બેરીકેડીંગ અને ગ્રીન નેટ સાથે કામગીરી કરવામાં આવશે.
બ્રિજ ઉપરનુ બીટુમીન વેરિંગ કોટ દુર કરાયું
કોન્ટ્રાકટર દ્વારા હાટકેશ્વર બ્રિજ ઉપર 8590 ચોરસમીટર જેટલુ બીટુમીન વેરીંગ કોટ દૂર કરાયુ છે. ખોખરા તરફના ભાગ ઉપર બંને બાજુના ફીલીંગ પોર્શનમાં આવેલ આર.સી.સી.વોલ આશરે 35 મીટર જેટલી તોડાઈ છે. જ્યારે સીટીએમથી હાટકેશ્વર સ્મશાન તરફના રસ્તા ઉપર ડાબી બાજુએ 20 મીટર ક્રેશ બેરીએર તોડવામાં આવેલા છે. હાલમાં હાટકેશ્વર સ્મશાન તરફ ડિમોલીશનની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત 33 મીટરના બંને તરફના સ્પાનમાં સોલીડ સ્લેબને જોડતા પીઅરકેપ પાસે સેન્ડબેગ દ્વારા સપોર્ટીંગની કામગીરી ચાલી રહી છે.







