હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો આવી બન્યુ, ગૃહમંત્રીની ચીમકીથી વાહનચાલકોમાં મચ્યો ખળભળાટ
સુરતમાં ટ્રાફિક સિગ્નલ શરૂ થતાં જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. યોગ્ય રીતે સં

સુરતમાં ટ્રાફિક સિગ્નલ શરૂ થતાં જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. યોગ્ય રીતે સંચાલન ન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે પહેલીવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 10 વર્ષમાં શહેરીજનોએ કરેલા ટ્રાફિક નિયમ ભંગના આંકડા આપ્યા હતા. છેલ્લા દસ વર્ષમાં 1.45 લાખ લોકોએ 5થી 10 વખત, 46 હજાર લોકોએ 10થી 20 વખત, 18 હજાર લોકોએ 21થી 50 વખત, 5 હજાર લોકોએ 51થી 100 વખત અને 1750 લોકોએ 100 વખત ટ્રાફિક નિયમ તોડ્યા છે.
હર્ષ સંઘવીની ચીમકી
સંઘવીએ કહ્યું કે, હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરાશે તો વાહનચાલકનું લાઇસન્સ રદ કરી દેવાશે. હાલમાં 51થી 100 વખત ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 6682 વાહનચાલકોના લાઇસન્સ રદ કરી દેવા માટેની પ્રોસેસ શરૂ કરાઈ છે. એક સપ્તાહમાં નોટિસ મળી જશે.
પકડાશો તો લાઈસન્સ સસ્પેન્ડ
સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલકો રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક જ સમયમાં હાથ ધરવામાં આવશે. જે લોકો રોંગસાઇડ પર જાય તેના પર પોલીસ દ્વારા સખ્તાઇથી કામ કરાય તો કરવા દેજો. દયા ન કરતા. હા, મારા પર ફોન આવે રોંગસાઇડથી પકડે તો છોડાવવા માટે તો બે હાથ જોડીને વિનંતી કરું છું હવે છોડવાના નથી. હવે પછીની કામગીરી રોંગસાઇડ માટે ચાલુ કરવાના છે.








