સુરતમાં બાળકો સાથે ગૃહમંત્રીએ દિવાળી ઉજવી કહ્યું, તહેવારમાં પોતાની આસપાસના લોકોનું રાખજો ધ્યાન
દિવાળીની ઉજવણી સમગ્ર દેશની સાથે રાજ્યમાં પણ થઈ રહી છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના મતવિસ્તારમા

દિવાળીની ઉજવણી સમગ્ર દેશની સાથે રાજ્યમાં પણ થઈ રહી છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના મતવિસ્તારમાં દિવાળીની ઉજવણી કરી હતી. જ્યાં તેમણે બાળકો સાથે ઉજવણી કરી હતી. સાથે જ તેમને ગીફ્ટ આપવાની સાથે સાથે તમામને શુભેચ્છા આપતાં કહ્યું કે, આપણી આસપાસના લોકો પણ તહેવારની ઉજવણી શાંતિથી કરે તે માટે શક્ય તેટલી મદદ કરજો અને કોઈ તહેવાર ઉજવવામાં બાકી ન રહી જાય તેનું ધ્યાન રાખજો.
શુભકામના પાઠવી
હર્ષ સંઘવીએ ગુજરાતના તમામ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, આપણે સૌએ એક સંકલ્પ કરવો જોઈએ કે, જે રીતે આપણા પરિવારની દિવાળી ખૂબ સારી રીતે આપણે ઉજવણી કરી રહ્યા છીએ તેવી જ રીતે આપણી સોસાયટીના આપણા ઘરની આસપાસના કે આપણી સાથે જોડાયેલા નાનામાં નાના માણસની પણ દિવાળી સુધરે તેવા પ્રયાસ કરવા જોઈએ. તેના ચહેરા ઉપર સ્મિત આવે અને તેને પારિવારિક ભાવ દેખાય તે પ્રકારે તેની સાથે રહીને શક્ય તેટલી તેને આર્થિક તેમજ અન્ય મદદ કરીને પણ દિવાળીની ઉજવણી કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
ગુજરાતી શબ્દો શીખવ્યા
ગૃહમંત્રીએ બાળકોની સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. રાજ્ય ગૃહમંત્રીએ પોતાના વિસ્તારના બાળકોને મળવા પહોંચ્યા હતા ત્યાં તેમને ફટાકડા સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું. તેમજ દિવાળીની શુભેચ્છા કેવી રીતે આપવી તે માટે પણ તેમને માહિતગાર કર્યા હતા. ખાસ કરીને હેપ્પી દિવાલી બોલવાને બદલે દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ કહીને શુભેચ્છા પાઠવવાનો આગ્રહ કર્યો હતો. તેમજ હેપ્પી ન્યુ યરને બદલે નૂતન વર્ષાભિનંદન કહેવાનું શીખડાવ્યું હતું.








