મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha news: ચડોતરુ પ્રથાને કારણે 29 પરિવારોએ છોડ્યું હતું ગામ, 12 વર્ષ પછી ગૃહમંત્રીએ કરાવ્યું પુનર્વસન

બનાસકાંઠાના દાંતા તાલુકામાં આજે ઉત્સવનો માહોલ સર્જાયો છે. દાંતા તાલુકાના મોટા પીપ

Banaskantha news: ચડોતરુ પ્રથાને કારણે 29 પરિવારોએ છોડ્યું હતું ગામ, 12 વર્ષ પછી ગૃહમંત્રીએ કરાવ્યું પુનર્વસન

બનાસકાંઠાના દાંતા તાલુકામાં આજે ઉત્સવનો માહોલ સર્જાયો છે. દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે આદિવાસી પુનર્વસન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

ગૃહમંત્રી હર્ષ સંઘવી ટ્રેક્ટર દ્વારા મોટા પીપોદરા પહોંચ્યા હતા. જયાં તેઓ દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે પહોંચીને આદિવાસી પરીવારોને મળ્યા હતા. ગુજરાતના ગૃહમંત્રીનું આદિવાસી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા સાથે આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરી સ્વાગત કરાયું  હતું. 

રિબિન કાપી આદિવાસી પરિવારોનો ગૃહ પ્રવેશ

ગૃહમંત્રી દ્વારા 29 આદિવાસી પરીવારોનું પુનર્વસન કરવામાં આવ્યું. તેમણે રિબિન કાપી આદિવાસી પરિવારોનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. સાથે ભૂમિ પૂજનના કાર્યક્રમમાં પણ તેઓ જોડાયા હતા. આ પ્રસંગે બ્રાહ્મણો દ્વારા ખાસ પૂજા વિધિ પણ કરવામાં આવી હતી. તેમની સાથે રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા એસપી અને કલેકટર પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

12 વર્ષ અગાઉ પોતાના ગામ છોડીને ગયેલા તમામ આદિવાસી પરીવારો સાથે ગૃહમંત્રીએ મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં 29 પરીવારોના 300 સભ્યો પણ જોડાયા  હતા.મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગામમાં જોવા મળ્યો. 12 વર્ષ પછી ફરી પોતાના વતનમાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

શા માટે છોડ્યું હતું વતન? 

આદિવાસી સમાજની એક કુપ્રથા છે જેને ચડોતરુ કહેવામાં આવે છે. જેમાં વેર લેવાની પરંપરા છે. આ પ્રથાને કારણે 12 વર્ષ પહેલા ડાભી સમુદાય સાથે માથાકૂટ થઈ હતી. જેમાં ડાભી સમુદાયના એક યુવકનું મોત થયું હતું. જેમાં કોદાર્વી સમુદાયના યુવકને પાંચ વર્ષની જેલ પણ થઈ હતી. અને પછીથી નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો.

પરંતુ ચડોતરુ પ્રથાના ભયને કારણે આ સમુદાયના 29 પરિવારો પોતાનું ઘરબાર જમીન મૂકીને પાલનપુર અને સુરત જઈને વસ્યા હતા. આ કુપ્રથાને કારણે ઘર છોડી ગયેલા લોકોને ફરી પોતાના ઘરમાં વસાવવા માટે હર્ષ સંઘવીએ અંગત રસ લઈને બનાસકાંઠા પોલીસને સૂચના આપી હતી.

સૂચના મળ્યા બાદ બનાસકાંઠા પોલીસ આ પરિવારોની વિગત એકઠી કરી તેમનો સંપર્ક કર્યો હતો. તેમન સાથે બેઠક કરીને તેમને સમજાવવામાં આવ્યા હતા. સાથે પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલેહ-શાંતિ જળવાઈ રહે એ માટે પણ બેઠક કરવામાં આવી હતી. અને ત્યાર બાદ જ તેમનું પુનર્વસન કરવામાં આવ્યું હતું.

આ સમુદાયની આ ગામમાં આશરે 8.5  હેક્ટર જેટલી જમીન પણ આવેલી છે. તેની માપણીની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. અને બનાસકાંઠા પોલીસે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લૅન્ડ રેકૉર્ડ્સ સાથે સંકલનમાં રહીને કરી હતી. ઝાડીઝાંખરાં ઊગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમથળ કરીને ખેતીલાયક કરવામાં આવી છે.

આ ઉપરાંત પરિવારો માટે હાલમાં બે મકાનો તૈયાર કર્યાં છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને બાકીના 27 પરિવારો માટે ટૂંક સમયમાં મકાન તેમ જ અન્ય જીવનજરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બને એ માટે કામગીરી કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો