TRP ગેમઝોન અગ્નિકાંડ: મ્યુનિસિપલ કમિશનર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં, હાઈકોર્ટે કર્યુ મહત્ત્વનું અવલોકન
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર આજે સુનાવણી

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર આજે સુનાવણી થઈ હતી. જે દરમિયાન હાઈકોર્ટે મહત્ત્વનું અવલોકન કર્યું કે, મ્યુનિસિપલ કમિશનર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. જોકે કોર્ટે વળતર અંગે ઓથોરિટી પાસે જવાબ માગીને વધુ સુનાવણી 13 સપ્ટેમ્બરના રોજ રાખી છે.
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું કે, મ્યુનિસિપલ કમિશનર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. જવાબદાર અધિકારીઓ પણ પોતાના ખિસ્સામાંથી વળતર ચૂકવે. તેમજ જે કમિશનરો ગેમઝોનની મુલાકાતે ગયા હતા તેમણે પ્રતિ મૃતક પરિવારજનોને ઓછામાં ઓછા 10,000 આપવા જોઇએ.
હાઇકોર્ટે કહ્યું હતું કે રાજકોટ TRP ગેમઝોનમાં રાજકોટના ઉચ્ચ અધિકારીઓ ગયા હતા અને તેની તપાસ કરવી જોઈએ. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સીધા જવાબદાર નહીં પણ જવાબદાર તો છે જ. તેમના ખિસ્સામાંથી પણ પીડિતોને વળતર અપાય, કારણ કે તેમણે યોગ્ય સુપર વિઝન કર્યું નથી. આ મામલે વધુ સુનાવણી 13 સપ્ટેમ્બરના રોજ થશે.
રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 27 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ બનાવથી આખું ગુજરાત હચમચી ગયું હતું.








