મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ, જુઓ તમામ જિલ્લાની સ્થિતિ

ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત પહોંચ

ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ, જુઓ તમામ જિલ્લાની સ્થિતિ

ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત પહોંચી છે. આજે (પાંચમી સપ્ટેમ્બર) સવારથી જ બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

મહેસાણાના વિજાપુરમાં 2.16 ઇંચ,  મહેસાણામાં 1.57 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.41 ઇંચ અને બનાસકાંઠાના ડીસામાં 1.37 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરના માણસામાં 1.30 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 1.22 ઇંચ અને ધનસુરામાં 1.10 ઇંચ, પોશીનામાં 1.06 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે મહેસાણા હાઇવેના અંડરપાસમાં  પાણી ભરાયા હતા અને શોપિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાયા હતા.

અહીં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો 

સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વડાલી, તલોદ, વિજયનગર, ઇડર, હિંમતનગર, મહીસાગરના કડાણા, અરવલ્લીના મેઘરજ, માલપુર, મહેસાણાના જોટાણા, સાંતલપુર, કડી, વિસનગર, ખેરાલુ, પાટણના હારીજ, સિદ્ધપુર, પાટણ શહેર, બનાસકાંઠાના લાખણી, પાલનપુર, દાંતા, વડગામમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.

દાંતીવાડા ડેમમાં પાણી આવકમાં વધારો

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં પાણી આવકમાં વધારો થયો છે. દાંતીવાડા ડેમમાં 6465 ક્યુસેક પાણી આવક ચાલુ છે. ડેમમાં જળસ્તરમાં વધારો થતા 577.35 ફૂટ ડેમનું લેવલ પહોંચ્યું છે. ડેમના જળસ્તરમાં વધારો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. દાંતીવાડા ડેમની ભય જનક સપાટી 604 ફૂટ લેવલ છે.

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતમા અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ભરૂચમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સુન ટ્રફના કારણે સતત વરસાદ આવી રહ્યો છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહેસાણાની કાવેરી શાળામાં પાણી ભરાયા

ભારે વરસાદના કારણે મહેસાણા શહેરમાં આવેલી કાવેરી શાળામાં પાણી ભરાતાં અફરાતફરી મચી હતી. તાત્કાલિક ધોરણે શાળાના બાળકો અને શિક્ષકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. શાળાની દીવાલ કુદાવીને તમામને બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા. બીજી તરફ પાલનપુર પંથકમાં પણ ભારે વરસાદ વરસતાં શહેર અને પંથકના અનેક વિસ્તાર પાણી પાણી થયા છે. અમદાવાદ-પાલનપુર હાઇવે પર પણ વરસાદી પાણી ભરાતાં લોકોની હાલાકી વધી છે.

આ સમાચાર શેર કરો