મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હાય ગરમી! અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહીમામ; રાજ્યમાં વધુ ત્રણ દિવસ હીટવેવની ચેતવણી 

ગુજરાતમાં ભીષણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ માટે હીટવેવની ચેતવણી જા

હાય ગરમી! અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહીમામ; રાજ્યમાં વધુ ત્રણ દિવસ હીટવેવની ચેતવણી 

ગુજરાતમાં ભીષણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ માટે હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના ત્રણ મહાનગર અમદાવાદ, વડોદરા અને સુરતમાં ગરમીને કારણે છેલ્લા 24 કલાકમાં 15થી વધુ લોકોના મોત થયા છે.

અમદાવાદમાં પણ ગરમીને કારણે રેડ એલર્ટ

અમદાવાદમાં ગરમીને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આગ ડઝાડતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરીજનોને બે દિવસ વધુ ગરમીનો સામનો કરવો પડશે. અમદાવાદમાં હીટ સ્ટ્રોકને કારણે બે દર્દીના મોત થયા છે. 

વડોદરામાં પણ ગરમીનો કહેર યથાવ જોવા મળી રહ્યો છે. ભીષણ ગરમીને પગલે છેલ્લા 24 કલાકમાં 4 યુવાનો સહિત 9 લોકોના મોત થયા છે. ભીષણ ગરમીને કારણે છેલ્લા એક અઠવાડિયામાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે.

સુરતમાં કાળજાળ ગરમી વચ્ચે વધુ છ લોકોના મોત

સુરતમાં ગરમી વચ્ચે અલગ અલગ બનાવમાં છ લોકો મોતને ભેટ્યા છે. હવા ખાવા બહાર ઓટલા ઉપર બેઠેલા યુવકનું ઢળી પડ્યા બાદ મોત થયું હતું. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સુરતમાં 25 લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે, આ તમામ લોકોના મોત હીટ સ્ટ્રોકના કારણે થયા કે અન્ય કોઇ કારણ હતું તે હજુ અકબંધ છે. હાલ શહેરમાં અચાનક બેભાન, ગભરામણ, ખેચ આવવાને કારણે મોતના બનાવો વધ્યા છે. સુરતમાં કતારગામ, પર્વત ગામ, પાંડેસરા, લિંબાયત અને ઉધનાના નવાનગરમાં અલગ અલગ બનાવમાં 6 લોકોના મોત થયા હતા.

અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું રેડ એલર્ટ સિવાય હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, પંચમહાલ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, દાહોદ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ગરમીમાં ત્રણ ડિગ્રી સુધી આંશિક ઘટાડાની સંભાવના છે.

અમદાવાદમાં ગરમીથી બચવા તંત્રએ કરી વ્યવસ્થા

અમદાવાદમાં ગરમીના પ્રકોપને કારણે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને રાહત મળે તે માટે કેટલીક જગ્યાએ ગ્રીન મેટ લગાવવામાં આવી છે. ગ્રીન મેટને કારણે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહન ચાલકોને સીધી સૂર્ય પ્રકાશથી રાહત મળી શકશે.

રાજ્યમાં ગરમીથી બચવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લોકોને બચવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ લખ્યુ, વર્તમાન સ્થિતિમાં બપોરના સમયે જો જરૂરી હોય તો જ પોતાના ઘરમાંથી બહાર નીકળો. ગરમીથી સ્વાસ્થ્ય પર અસર અનુભવવા પર ડૉક્ટરનો સંપર્ક કરો.

અમદાવાદમાં ગરમીના રેડ એલર્ટને ધ્યાનમાં રાખતા બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન તમામ કંસ્ટ્રક્શન સાઇટ પર કામકાજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્કૂલોમાં તમામ કામ 11 વાગ્યા સુધી પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ ટ્યૂશન સંચાલકોને પણ ટ્યૂશન-ક્લાસ બપોરના 12થી 4 વાગ્યા દરમિયાન બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હીટવેવને કારણે અનેક લોકોને ચક્કર આવવા, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી, પેટમાં દુખાવા જેવી ફરિયાદો વધી રહી છે.

આ સમાચાર શેર કરો