અમદાવાદ: અસામાજિક તત્ત્વોના હુમલાની ઘટના મામલે હર્ષ સંઘવી એક્શનમાં, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને ગાંધીનગરનું તેડું
અમદાવાદમાં ચાણક્યપુરીમાં અસામાજિક તત્ત્વોના આતંકની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંભીર નોં

અમદાવાદમાં ચાણક્યપુરીમાં અસામાજિક તત્ત્વોના આતંકની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંભીર નોંધ લીધી છે. હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગર બોલાવ્યા છે. સરકારે અધિકારીઓ પાસે આ ઘટનાની વિગતવાર માહિતી માંગી છે.
અમદાવાદમાં ચાણક્યપુરીની ઘટનામાં બાદ સરકાર એક્શનમાં
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં શિવમ આર્કેડમાં અસામાજિક તત્ત્વોના આતંકને લઇને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં આવ્યા છે. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક, સેક્ટર 1 જેસીપી, ડીસીપી, પીઆઇ સહિતના અધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. સોસાયટીમાં તોડફોડની ઘટનાની સરકાર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. સરકારે અધિકારીઓ પાસે ઘટનાની વિગતવાર માહિતી માંગી છે અને સમગ્ર ઘટનાની સખત શબ્દોમાં ટીકા કરી છે. હર્ષ સંઘવીએ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી છે.
આતંક મચાવનારા પાંચ આરોપી ઝડપાયા
અમદાવાદમાં ચાણક્યપુરીમાં શિવમ આર્કેડ એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્ત્વોએ રવિવાર રાત્રે આતંક મચાવ્યો હતો. સોલા પોલીસે આતંક મચાવનારા પાંચ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તલવાર સાથે અસામાજિક તત્ત્વોને પકડી પાડ્યા હતા. પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને પકડી પાડ્યા હતા. અસામાજિક તત્ત્વો સામે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
શું હતી ઘટના?
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ પહેલા દારૂની પાર્ટી કરી હતી અને પછી તલવાર લઇને એક સોસાયટીમાં ઘુસી આવ્યા હતા અને તલવારને હવામાં લહેરાવી હતી. આ દરમિયાન કેટલાક શખ્સોએ પથ્થરમારો પણ કર્યો હતો. સ્થાનિકોએ પોલીસને ફોન કર્યો હતો પણ પોલીસ તરફથી કોઇ યોગ્ય જવાબ મળ્યો નહતો. અસામાજિક તત્ત્વોએ કેટલીક યુવતીઓ સાથે પણ ખરાબ વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે.








