વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર, જાણો કેટલા વર્ષની થશે સજા
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થયું છે. સત્રના પ્રથમ દિવસે ગૃહમાં ગૃહરાજ્

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થયું છે. સત્રના પ્રથમ દિવસે ગૃહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું. આ બિલ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર થઈ ગયું છે. અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કે કરાવનારને જામીન મળશે નહીં.
21 ઓગસ્ટથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થયું છે. જેમાં સત્રના પ્રથમ દિવસે જ ગુજરાત વિધાનસભા ગૃહમાં કાળા જાદુ વિરુદ્ધ બિલ રજૂ કર્યું હતું. દરમિયાન અંધશ્રદ્ધા વિરોધી બિલને લઈને ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, 'ભારતમાં જ ખાલી કાળા જાદુની પ્રથા લાગુ નથી, પરંતુ પશ્ચિમી દેશોમાં પણ આ પ્રકારની પ્રથા જોવા મળે છે. જો કે, દરેક જગ્યાએ કાળા જાદુને રોકવા માટે અલગ કાયદાઓ લાગુ કરવામાં આવ્યાં છે. આઝાદીનાં 78 વર્ષ પછી પણ અંધશ્રદ્ધાની ઘટના બને છે, તે રોકવી જરૂરી છે. અંધશ્રદ્ધાવિરોધી બિલમાં લોકોની આસ્થા અને માન્યાતને ઠેસ ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
છ મહિનાથી લઈને સાત વર્ષ સુધીની કેદ
વિધાનસભામાં રજૂ કરાયેલા અંધશ્રદ્ધા વિરોધી બિલ પ્રમાણે, કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે કાળા જાદુ, અનિષ્ટ અને અઘોરી પ્રથા, માનવ બલિદાન અને બીજી અમાનુષ, કાવતરુ કરાવડાવે, વ્યવસાય કરે, જાહેરખબર આપે અથવા ઉત્તેજન આપીને લાગુ કરાયેલા કાયદાનો ભંગ કરનારા સામે આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરનારાને બિન જામીનપાત્ર ગુનો નોંધીને 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીનો દંડની જોગવાઈ છે.
અનિષ્ટ અને દુષ્ટ પ્રથા થશે નાબુદ
ગુજરાતમાં અજ્ઞાનતાના કારણે ઘણી જગ્યાએ અનિષ્ટ અને દુષ્ટ પ્રથા ચાલતી આવે છે. જેમાં માનવ બલિદાન, વાળથી બાંધી લટકાવવાના બનાવો, મરચાંનો ધુમાડો કરવાની કે ભૂત અને ડાકણ કાઢી આપવાના કૃત્યો, અધોરી પ્રથા અને કાળા જાદુના પ્રયોગ થતાં હોય છે.








