સુરત ગુરુકુળમાં વચનામૃત ગ્રંથની 205મી જયંતિની ઉજવણી, સંતો-વિદ્યાર્થીઓએ કર્યુ સમૂહ વાંચન
સુરત વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલમાં મુખ્ય ગ્રંથ વચનામૃતની 205મી જયંતીની ઉજવણી કરી હતી. વચનામૃત જય

સુરત વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલમાં મુખ્ય ગ્રંથ વચનામૃતની 205મી જયંતીની ઉજવણી કરી હતી. વચનામૃત જયંતીના દિવસે ધર્મવલ્લભદાસજી સ્વામી તથા પ્રભુ સ્વામી, શ્વેત વૈકુંઠદાસ સ્વામી વગેરે સંતો તથા હરિભક્તોએ પૂજન કર્યું હતું. ભગવાનની વાણી તે ભગવાનનું સ્વરૂપ છે. એ ગ્રંથરાજ વચનામૃતના જ 108 નામ મંત્રોના ગાન સાથે પુષ્પ પાંખડી, વસ્ત્ર, નૈવેદ્ય અર્પણ કરી આરતી ઉતારવામાં આવી હતી.
આ પણ વાંચોઃ બાળકના જન્મ પછી સુતક શા માટે જરૂરી છે? ધાર્મિક કારણોની સાથે વૈજ્ઞાનિક કારણો પણ જાણો
દેશકાળને સમજીને કહેવાયું
પ્રાતઃકાળે ભગવાન સ્વામિનારાયણનો પંચામૃત તથા ફળોના રસથી મહાભિષેક કરવામાં આવેલ. સંતો તથા વિદ્યાર્થીઓએ સમૂહમાં વચનામૃતનું વાંચન કર્યું હતું. આજે આખો દિવસ સંતો તથા હરિભક્તો દ્વારા વચનામૃતના કાવ્ય પંક્તિઓના ગાન સાથે ભગવાનનું પૂજન તથા અભિષેક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે, વિચક્ષણ બુદ્ધિશાળીઓએ બુદ્ધિ કસીને ઘડેલા કોઈપણ દેશના બંધારણને પણ કાળની સૂક્ષ્મ કાતર કદ પ્રમાણે વેતરી નાંખે છે. સમય જતા જમાના સાથે કદમ મિલાવવા નિયમોની સાંકળીને મરોડવી જ પડે છે. ભગવાનને જ આપેલા સર્વગ્રાહી, લોકભોગ્ય, ભાવિ દેશકાળને સમજીને કહેવાયું હતું.
અભણને પણ ગ્રંથ અઘરો ન લાગે
સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અધ્યાત્મ ગ્રંથ વચનામૃતના સિદ્ધાંતો કાળમાં કટાય કે લક્ષ્યને ચૂકવે તેવા નથી.વચનામૃતમાં શબ્દોનો આડંબર, શબ્દોની સાંઠમારી, ભ્રમજાળ કે ભારેખમ શબ્દોનો ઉપયોગ ક્યાંય થયો નથી. અભણને અઘરો ન લાગે અને વિદ્વાનને સહેલો ન લાગે એવો આ વચનામૃતગ્રંથ ધર્મ, અર્થ,કામ અને મોક્ષ રૂપી પુરુષાર્થને ઈચ્છતા જીવોને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચાડનારો ગ્રંથ છે.
જુદાજુદા સત્સંગ કરાયેલાને ગ્રંથસ્થ કરાયો
205 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે જુદા જુદા સ્થળે. જુદા જુદા સમયે. જુદા જુદા સંતો હરિભક્તોની આગળ જે કથાવાર્તા સત્સંગ કરેલ એમને ગ્રંથસ્થ કરાયો. એનું નામ વચનામૃત અપાયું. ગુજરાતી ભાષાનો આવડો મોટો ગ્રંથ કદાચ એ સમયે પહેલો હશે.એ વખતના નંદસંતો સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી. શ્રી મુક્તાનંદ સ્વામી. નિત્યાનંદ સ્વામી તથા શ્રી શુકાનંદ સ્વામી એ ગ્રંથસ્થ કર્યુ હતું. એક વર્ષ બાદ 115 વચનામૃત ગ્રંથસ્થ કરીને આ સંતોએ બોટાદ જિલ્લાના લોયા ગામમાં ભગવાન સ્વામિનારાયણને બતાવેલ. એ જોઈને ભગવાને પ્રસન્નતા દર્શાવી હતી.
262 વચનામૃત
સંવત ૧૮૭૬ થી ૧૮૮૬ ઇસવીસન 1819 થી 1829 દરમ્યાન થયેલ સત્સંગ - કથાવાર્તામાંથી 262 જેટલા વચનામૃત તૈયાર કરાયા. જેમાં ૬ર૧ જેટલા જીવન ઉપયોગી તથા મોક્ષ ઉપયોગી પ્રશ્ન પુછાયા. .આ પ્રશ્નો પૂછનારા માં ૬૨ વર્ષના મુક્તાનંદ સ્વામીથી લઈને ૧૦ વર્ષના ચરોતર પ્રદેશના ભાદરણ ગામના ભગુભાઈ પટેલે પણ પ્રશ્ન પૂછેલ . જેના ઉત્તર ભગવાન સ્વામિનારાયણે આપેલા.








