મોટા સમાચાર : ભારે વરસાદને કારણે આવતીકાલે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા રાખવા અપાઈ સૂચના
Gujarat rains : છેલ્લા કેટલાંક દિવસોથી મેઘરાજાએ ગુજરાતને ઘમરોળવાની શરુઆત કરી

Gujarat rains : છેલ્લા કેટલાંક દિવસોથી મેઘરાજાએ ગુજરાતને ઘમરોળવાની શરુઆત કરી દીધી છે. ગઈકાલે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા. તો આજે જન્માષ્ટમીના દિવસે પણ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, જેના કારણે પરિસ્થિતિ ખુબ ગંભીર બની છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે આવતીકાલે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં જાહેર રજા રાખવા ગાંધીનગરથી સૂચના અપાઈ છે.
ગાંધીનગરથી અપાઈ છે સૂચના
રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને લઈને રાજ્યના અગ્રસચિવે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે 27 ઓગષ્ટે રજા રાખવા સૂચના આપી છે. આ અંગે દરેક જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સૂચના આપવામાં આવી છે. આ સાથે માધ્યમિક શાળાઓ અંગે પણ માહિતી માંગવામાં આવી છે. માહિતી બાદ માધ્યમિક શાળાઓમાં પણ રજા રાખવા સૂચના આપવામાં આવી શકે છે.
છેલ્લા 24 કલાકમાં 244 જેટલા તાલુકામાં પડ્યો વરસાદ
ગુજરાતના વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 244 જેટલા તાલુકામાં પાણી જ પાણી થઈ ગયું હતું. નવસારીના ખેરગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અહીં 24 કલાકમાં 18.20 ઇંચ વરસાદ ખાબકી જતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી. જ્યારે બીજી બાજુ કપરાડામાં 14 ઇંચ તથા ડાંગના આહવા વિસ્તારમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું.
છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં 244 તાલુકા ભીંજાયા હતા. જ્યારે 75 તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો 113 તાલુકામાં 2થી વધુ ઇંચવરસાદ ખાબકતાં રોડ રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતા. લેટેસ્ટ અપડેટ મુજબ 187 તાલુકામાં સરેરાશ 1 ઇંચજેટલો વધાર જોવા મળ્યો હતો. ખેરગામ અને ડાંગના આહવા ઉપરાંત 10 ઇંચ વઘઈમાં, ધરમપુરમાં 9.5 ઇંચ, ડેડિયાપાડામાં 9.4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.








