Gujarat news: પૂર્ણેશ મોદી બનશે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, જેઠાભાઈ ભરવાડના રાજીનામાથી ખાલી પડી હતી બેઠક
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહે

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી હવે રાજ્ય વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. આજે તેમણે મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં વિધાનસભા સચિવાલય ખાતે સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
જેઠાભાઈ ભરવાડના રાજીનામાથી ખાલી પડી હતી બેઠક
શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે હાલમાં જ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે આ મહત્વનો બંધારણીય હોદ્દો ખાલી પડ્યો હતો. 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા અનેક નામો પર મંથન કરવામાં આવ્યું હતું. જેમાં અંતે પૂર્ણેશ મોદીના અનુભવ પર મહોર મારવામાં આવી છે.
કેમ પસંદ કરાયા પૂર્ણેશ મોદી?
- વહીવટી અનુભવ: તેઓ અગાઉ કેબિનેટ મંત્રી તરીકે માર્ગ-મકાન અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્વના વિભાગો સંભાળી ચૂક્યા છે.
- ગૃહનું જ્ઞાન: વિધાનસભાની કાર્યવાહી અને નિયમો પર તેમની સારી પકડ છે, જે ઉપાધ્યક્ષ તરીકે ગૃહનું સંચાલન કરવામાં મદદરૂપ થશે.
- દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ: સુરત અને દક્ષિણ ગુજરાતમાં તેમનું મજબૂત સંગઠનાત્મક વર્ચસ્વ છે. સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવવા પક્ષે આ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે.
બિનહરીફ ચૂંટણીની શક્યતા
વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી પાસે પ્રચંડ બહુમતી હોવાથી પૂર્ણેશ મોદીની જીત નિશ્ચિત છે. મંત્રી ઋષિકેશ પટેલની ફોર્મ ભરતી વખતે હાજરી પક્ષની એકતા દર્શાવે છે. જો વિરોધ પક્ષ કોંગ્રેસ કોઈ ઉમેદવાર ઊભો નહીં રાખે, તો પૂર્ણેશ મોદી બિનહરીફ ચૂંટાઈ આવશે તેવી પ્રબળ શક્યતા છે. જેથી સોમવારે માત્ર ઔપચારિક ચૂંટણી બાદ તેમના નામ પર ફાઇનલ મહોર આવશે.
કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર ઉમેદવાર
કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. જો કે કોંગ્રેસનું સંખ્યાબળ જોતા તેનો ઉમેદવાર ચૂંટણી જીતે તેવી શક્યતા નહીવત્ત છે પરંતુ કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવાર તરીકે શૈલેષ પરમારને ઉમેદવાર બનાવવામાં આવે તે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે.








