ગુજરાતમાં લોકસભાની છેલ્લી 5 ચૂંટણીમાં મતદારો રહ્યાં નિરસ, 50 ટકા કરતા પણ ઓછું થયું મતદાન
Lok Sabha Elections 2024: દેશમાં લોકસભા 2024ની ચૂંટણી માટે 19મી એપ્રિલે પ્રથમ તબક્કાનું જ્યારે ગુજરાતમાં ત્

Lok Sabha Elections 2024: દેશમાં લોકસભા 2024ની ચૂંટણી માટે 19મી એપ્રિલે પ્રથમ તબક્કાનું જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં છેલ્લા પાંચ વર્ષમાં 45 લાખ કરતાં વધુ મતદારોનો વધારો થયો છે. 2019ની ચૂંટણીમાં મતદારોની સંખ્યા 4.51 કરોડ હતી તે વધીને 2024માં 4.96 કરોડ થઈ છે. રાજ્યમાં 1962માં જ્યારે પહેલી ચૂંટણી થઈ હતી ત્યારે માત્ર 95.34 લાખ મતદારો હતા.
આ ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન થયું હતું
ચૂંટણી પંચના રસપ્રદ આંકડા જોઈએ તો 1996ની લોકસભા ચૂંટણી એવી હતી કે જેમાં સૌથી વધુ 577 ઉમેદવારો મેદાનમાં હતા પરંતુ મતદાન સૌથી ઓછું 35.92 ટકા જોવા મળ્યું હતું. છેલ્લા 62 વર્ષમાં ક્યારેય પુરૂષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધી નથી. રાજ્યમાં 2019ની ચૂંટણી એવી હતી કે જેમાં સૌથી વધુ 64.51 ટકા મતદાન નોંધાયું છે.
છેલ્લી ચૂંટણીમાં કુલ 371 ઉમેદવારો મેદાનમાં હતા
ગુજરાતમાં જ્યારે પહેલી ચૂંટણી થઈ હતી ત્યારે પોલીંગ સ્ટેશનની સંખ્યા માત્ર 10960 હતી જે 2019માં વધીને 51851 થયાં હતા. છેલ્લી 15 ચૂંટણીઓમાં સૌથી ઓછા 68 ઉમેદવારો 1996માં હતા. ત્યારપછી 1967ની ચૂંટણીમાં પણ ઉમેદવારોની સંખ્યા 80 જોવા મળી હતી. 2019ની છેલ્લી ચૂંટણીમાં 26 બેઠકો પર કુલ 371 ઉમેદવારો મેદાનમાં હતા.
રાજ્યમાં લોકસભા બેઠકની સંખ્યા 22 હતી
બીજી તરફ જોઈએ તો 60 ટકા ઉપર મતદાન થયું છે તેવા ચૂંટણીના વર્ષ 1967, 2014 અને 2019 જોવા મળ્યા છે. 50 ટકા કરતાં ઓછું મતદાન થયું હોય તેવી લોકસભાની પાંચ ચૂંટણીઓ હતી. રાજ્યમાં 1962માં લોકસભા બેઠકોની સંખ્યા 22 હતી જે 1967 અને 1971માં 24 થઈ હતી પરંતુ ત્યાર પછીની બધી ચૂંટણીઓમાં બેઠકોની સંખ્યા 26 રહી છે.








