મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 20 જિલ્લાના 7 લાખ ખેડૂતોને મળશે લાભ

ગુજરાત સરકારે રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા ખેડૂતોને નુકસાન સામે 1419 કરોડના પેકેજની જાહેરાત કરી છે

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 20 જિલ્લાના 7 લાખ ખેડૂતોને મળશે લાભ

ગુજરાત સરકારે રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા ખેડૂતોને નુકસાન સામે 1419 કરોડના પેકેજની જાહેરાત કરી છે.  8.5 લાખ હેક્ટર જમીનના ખેડૂતોને આ પેકેજ અંતર્ગત સહાય ચુકવશે અને  રાજ્યના 20 જિલ્લાના સાત લાખથી પણ વધુ ખેડૂતોને પેકેજનો લાભ મળશે. ઓગષ્ટ મહિનામાં 350 કરોડના  પેકેજ બાદ હવે સરકારે આ બીજા પેકેજની જાહેરાત કરી છે.

ખેડૂતો માટે 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર 

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હાલ ખેડૂતોનો પકવેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, ગત વર્ષે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ખેડૂતોને આજીવિકાનો અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે અને દેવાના બોજ તળે દબાયા છે. ત્યારે હવે રાજ્યના કૃષિમંત્રી દ્વારા ખેડૂતો માટે 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના બજેટમાંથી 362 કરોડની સહાય આપવામાં આવશે.

20 જિલ્લાના ખેડૂતોને રાહત પેકેજનો મળશે લાભ

કૃષિમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ઓગસ્ટમાં વરસેલા વરસાદના કારણે થયેલાં વરસાદના કારણે જે ખેડૂતોના પાક બગડી ગયાં અને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો, તેવા ખેડૂતો માટે સહાય 1419.62 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 20  જિલ્લાના 136 તાલુકાના ખેડૂતોનો આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 17 હજાર રૂપિયાની સહાય અને બિન પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 11 હજારની સહાય આપવામાં આવશે. 

કયા-કયા જિલ્લાનો કરાયો સમાવેશ?

ઓગસ્ટ મહિનામાં થયેલા વરસાદના નુકસાન માટે રાજ્યના  અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, સુરત, વડોદરા, પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દ્વારકા, ખેડા, આણંદ, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, ડાંગ, ભરૂચ, પાટણ અને છોટા ઉદેપુર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિવાળી બાદ ખેડૂતોને આ સહાય પહોંચાડવામાં આવશે.

કોને મળશે સહાય?

2024-25 ઋતુના ખરીફ બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય, તેવા ખેડૂતને SDRFના નિયમ હેઠશળ 8,500 અને રાજ્ય સરકારના બજેટ હેઠળ 2500 રૂપિયાની સહાય મળશે. મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં કુલ 11 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળશે.
વર્ષાયુ અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમ મુજબ 17 હજાર તેમજ રાજ્ય સરકારના બજેટ હેઠળ 5 હજાર સહાય આપવામાં આવશે. મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં કુલ 22 હજાર પ્રતિ હેક્ટર લેખે સહાય મળશે.
બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમ મુજબ 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. 3,500 કરતાં ઓછી થતી હશે તેમને ઓછામાં ઓછા રૂ. 3,500 ચૂકવાશે.

ખેડૂતે અરજી માટે કયા દસ્તાવેજની રહેશે જરૂર?

ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી ખેડૂતની સાતબાર, બેન્ક એકાઉન્ટની વિગત, અને આધાર નંબર સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

પાછોતરા વરસાદના કારણે થયેલાં નુકસાનનો થશે સર્વે

કૃષિમંત્રીના જણાવ્યા અનુસાર, 6 હજારથી વધુ ગામોના આશરે 7લાખ ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળી શકશે. નોંધનીય છે કે, 8 લાખ હેકટર જેટલા વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેમાં નિયમો હેઠળ સહાય ચુકવવામાં આવશે. આ સહાય પેકેજ ફક્ત ઓગસ્ટ મહિનામાં વરસેલા વરસાદમાં થયેલાં નુકસાન માટે જ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પાછોતરા વરસાદને લઈને થયેલાં પાક નુકસાન વિશે પણ સર્વે કરવામાં આવશે. તેમજ તે અંગે પણ ખેડૂતોને સહાય માટે રાજય સરકાર વિચાર કરશે.

આ સમાચાર શેર કરો