મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સરકારી કર્મચારીઓને સરકારની મોટી ભેટ, 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રવિવારે 4:30 વાગ્યે કેબિનેટ બેઠકનું આયોજન કર

સરકારી કર્મચારીઓને સરકારની મોટી ભેટ, 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રવિવારે 4:30 વાગ્યે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સામાન્ય રીતે કેબિનેટની બેઠક દર બુધવારે મળે છે, પરંતુ આ વખતે રજાના દિવસે કેબિનેટની બેઠક બોલાવવાના કારણે અધિકારીઓ તેમજ મંત્રીઓને પણ નવાઈ લાગી છે. કેબિનેટ બેઠક પહેલા અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં પડતર માગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે કરી જાહેરાત

સામાન્ય રીતે કોઈ મહત્ત્વના નિર્ણય લેવાના હોય ત્યારે જ આ પ્રકારે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવે છે. ત્યારે આજે આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

  • 01/04/2005 પહેલા નોકરીએ લાગેલા કર્મચારીઓને મળશે OPS
  • 7 માં પગાર પંચના ભથ્થા સંદર્ભે પેન્ડિંગ પ્રશ્નના ઉકેલ

60 હજારથી વધુ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે 

નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે, તા.1-04-2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક મેળવનાર કર્મચારીઓની નિમણૂંક હુકમની શરતો અનુસાર તેમની ફિક્સ પગારની સેવા, નિવૃતિ વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર ગણાશે નહીં, તેવો ઉલ્લેખ હતો. જે તે કર્મચારીઓએ આ બાબતે લેખિતમાં બાહેધરી પણ આપી હતી, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક કર્મચારી અને તેમના પરિવારજનોના હિતાર્થે આ લાભો રાજ્યના આવા 60 હજારથી વધુ કર્મચારીઓને આપવાનો સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે, તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. 01-04-2005 પછી થઇ હોય અથવા તા. 1-04-2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. 1-04-2005 પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે. જેનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

સાતમાં પગાર પંચ પ્રમાણે મળશે આ લાભો

વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કર્મચારી મંડળો દ્વારા ઉચ્ચક બદલી, મુસાફરી ભથ્થુ તેમજ વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમાં પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ જે અત્યારે બેઝીક પગારના 5 કે 10 ટકા આપવામાં આવે છે, તેને સાતમાં પગાર પંચ મુજબ આપવામાં આવે, મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થાના દર સુધારવામાં આવે તેમજ વયનિવૃતિ અને અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવાની બાબતોને લગતી રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી.

મુખ્યમંત્રીની આગેવાની હેઠળ કેબીનેટ બેઠકમાં ઉપરોક્ત તમામ માંગણીઓને સૈદ્ધાંતિક  રીતે સ્વીકાર કરાયો છે. જેનો વિગતવાર ઠરાવ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો