શુભમન ગિલ સહિત 4 ક્રિકેટરોની ગુજરાત CID ક્રાઇમ કરશે પૂછપરછ, જાણો શું છે સમગ્ર ઘટના
શુભમન ગિલ ફરી ચર્ચામાં છે. મેલબોર્નમાં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં

શુભમન ગિલ ફરી ચર્ચામાં છે. મેલબોર્નમાં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં ગિલને પડતો મુકવામાં આવ્યો હતો. બીજી તરફ ભારતીય ક્રિકેટરની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. ગિલ 450 કરોડના કૌભાંડમાં ફસાવાના સમાચાર સામે આવ્યા છે. ગિલ સહિત IPL ટીમ ગુજરાત ટાઇટન્સના ચાર ક્રિકેટર 6000 કરોડના ગુજરાતના BZ કૌભાંડમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. CID ક્રાઇમે ચારેય ક્રિકેટરોને સમન્સ મોકલ્યું છે.
શુભમન ગિલે BZ ગ્રુપમાં કેટલું રોકાણ કર્યું?
BZના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઇન્વેસ્ટર્સને બેન્ક કરતા વધુ ઇન્ટરેસ્ટ રેટ આપવાનો દાવો કર્યો હતો અને કરોડો રૂપિયાનું રોકાણ કરાવડાવ્યું હતું. એક રિપોર્ટ અનુસાર ગુજરાત ટાઇન્ટન્સના ખેલાડીઓએ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZની પોન્ઝી સ્કીમમાં પૈસા રોક્યા હતા. હવે આ કૌભાંડને લઇને CID ક્રિકેટરોની પૂછપરછ કરી શકે છે. રિપોર્ટ અનુસાર શુભમન ગિલે 1.95 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે જ્યારે બાકી ખેલાડીઓએ નાની નાની રકમ લગાવી છે. ગિલ અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે અને CID તેના પરત ફરતા જ સવાલ કરી શકે છે.
BZ ગ્રુપમાં આ ક્રિકેટરોએ પણ રોકાણ કર્યું
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ સિવાય રાહુલ તેવટિયા, મોહિત શર્મા અને સાઇ સુદર્શને પણ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હોવાનું જાણવા મળે છે. CID ક્રાઇમે ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીઓને સમન્સ મોકલ્યું છે.
6 હજાર કરોડનું કૌભાંડ 450 કરોડનું થયું
સીઆઈડીએ પોન્ઝી સ્કીમ સ્કેમ મામલે ખુલાસો કર્યો હતો કે, ઝાલાએ રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ કર્યું છે. પરંતુ બાદમાં તેણે જ આ રકમ ઘટાડી રૂ. 450 કરોડ કરી હતી. સીઆઈડીએ જણાવ્યું કે, ‘ઝાલાના બિનઔપચારિક એકાઉન્ટ બુકમાં રૂ. 52 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. આ સાથે કૌભાંડ રૂ. 450 કરોડનું થયું છે. દરોડા અને વધુ તપાસની સાથે આ કૌભાંડની રકમ વધતી જશે.’
આ પણ વાંચો: BZ કૌભાંડ: અરવલ્લી જિલ્લામાં CIDની ટીમ ત્રાટકી, એજન્ટ શિક્ષકો અને રોકાણકારોમાં ફફડાટ; ભુપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડમાં ખુલાસો
શુભમન ગિલ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે
શુભમન ગિલ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે જ્યાં તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમી રહ્યો છે. ઇજાને કારણે તે પર્થ ટેસ્ટમાં રમી શક્યો નહતો. તે બાદ એડિલેડમાં તેને પિંક બોલ ટેસ્ટ રમી હતી જ્યાં તેને પ્રથમ ઇનિંગમાં 31 અને બીજી ઇનિંગમાં 28 રન બનાવ્યા હતા. બ્રિસબેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં તે મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ગિલને મેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ડ્રોપ કરવામાં આવ્યો હતો. હવે ગિલનો સિડની ટેસ્ટમાં ફરી એક વખત સમાવેશ કરવામાં આવી શકે છે.








