Dwarka: 'સરકારે 10,000 કરોડના નામે ખેડૂતોને પડીકું પકડાવ્યું!', ખેડૂત આક્રોશ યાત્રાના સમાપનમાં કોંગ્રેસના આકરા પ્રહાર
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રેરિત 'ખેડૂત આક્રોશ યાત્રા' ના પ્રથમ ચરણનું આજે યાત્રાધામ દ્
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રેરિત 'ખેડૂત આક્રોશ યાત્રા' ના પ્રથમ ચરણનું આજે યાત્રાધામ દ્વારકા ખાતે સમાપન થયું છે. કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતોને થયેલા મોટાપાયે નુકસાનના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
8 માંગણીઓ સાથે યાત્રા: સોમનાથથી દ્વારકા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી સહિતની વિવિધ આઠ માંગણીઓને લઈને 6 ઠ્ઠી નવેમ્બરના રોજ સોમનાથથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રાએ સૌરાષ્ટ્રના 11 જેટલા જિલ્લાઓમાં 432 જેટલા ગામડાઓને આવરી લીધા હતા, જેમાં હજારો ખેડૂતો જોડાયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલીયા સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો આજે દ્વારકા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
'10000 કરોડના નામે પડીકું પકડાવ્યું'
સમાપન સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકારને ખેડૂત વિરોધી ગણાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે, સરકારે 10,000 કરોડના રાહત પેકેજના નામે ખેડૂતોને માત્ર પડીકું પકડાવી દીધું છે.
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં કરે ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસ દ્વારા આ શક્તિશાળી લડત સતત ચાલુ રાખવામાં આવશે.
આગામી રણનીતિ
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને જોડતી ખેડૂત આક્રોશ રેલીનું પણ આયોજન કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું. આ યાત્રા ખેડૂતોના પ્રશ્નોને વધુ ધારદાર રીતે રજૂ કરવાનો કોંગ્રેસનો પ્રયાસ છે.








