Dwarka News: સહાય પેકેજ પર અમુક ખેડૂતોમાં ખુશી, તો અમુક માને છે કે સહાયની રકમ પૂરતી નથી

દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. પાક બગડતા ખેડૂતોની હાલત દયનીય બની હતી. આવી સ્થિતિમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે ઉભી રહી 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સરકારે મગફળીના 125 મણના ટેકાના ભાવ પર ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પગલાથી ખેડૂતોને મોટો આર્થિક આધાર મળશે. દ્વારકા જિલ્લાના ખેડૂતો જણાવે છે કે, સરકારે સમયસર નિર્ણય લીધો છે, જે ખેડૂતોને નુકસાનમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થશે. ઘણા ખેડૂતો સરકારે આપેલા સહાય માટે આભાર વ્યક્ત કરી રહ્યા છે.
તેમ છતાં, કેટલાક ખેડૂતોનો મત છે કે સહાયની રકમ પૂરતી નથી અને પાક ધિરાણની માફી પણ આપવામાં આવે તો જ સાચી રાહત મળશે. કેટલાક ખેડૂતોએ આવનારા સિઝનમાં વધુ મદદ અને પાક વિમાની રકમ વહેલી તકે ચુકવવાની માંગણી કરી છે. જિલ્લામાં મગફળી, કપાસ, તલ અને જુવાર જેવા પાકને ભારે નુકસાન થયું હતું.
ખેડૂતો કહે છે કે, સરકારના સહાય પેકેજ અને ટેકાના ભાવની ખરીદીથી તેમને નવી આશા મળી છે. વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા, પણ હવે સરકારની સહાય તેમને ફરી ખેતરમાં ઉતારશે. સરકારના નિર્ણયથી ખેડૂતોને મળેલી આ રાહત વચ્ચે અપેક્ષા હજી યથાવત છે. ખેડૂતો ઈચ્છે છે કે, સરકાર લાંબા ગાળે ખેતીને વધુ મજબૂત બનાવવા માટે યોગ્ય નીતિ અપનાવે.

