'ગુજરાત પોલીસનું ખાનગીકરણ ?' PCR વાન મુદ્દે ગોપાલ ઈટાલિયાએ વિધાનસભામાં કર્યો ધડાકો
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભારે ગરમાવો જો

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પોલીસ PCR વાન (112 જનરક્ષક)ના સંચાલનને લઈને ચોંકાવનારો ખુલાસો કરતા સરકારને ભીંસમાં લીધી છે.
શું છે સમગ્ર મામલો?
AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો છે કે, ગુજરાત પોલીસની 'PCR વાન' (112 જનરક્ષક) સેવા વાસ્તવમાં પોલીસ નહીં પણ એક ખાનગી કંપની ચલાવી રહી છે. તેમણે આ વ્યવસ્થાને એક "મોટું કૌભાંડ" ગણાવ્યું છે.
મુખ્ય મુદ્દાઓ અને આક્ષેપો:
કરોડોનું ચુકવણું: છેલ્લા 6 મહિનામાં સરકારે આ ખાનગી કંપનીને સંચાલન પેટે ₹4 કરોડ 61 લાખ ચૂકવ્યા છે.
ડેટા સિક્યોરિટી પર સવાલ: 112 નંબર પર આવતા ફોન કોલ્સમાં પારિવારિક વિખવાદ, લો એન્ડ ઓર્ડર અને રાજ્યની સુરક્ષાને લગતી અત્યંત સંવેદનશીલ માહિતી હોય છે. ઈટાલિયાનો આક્ષેપ છે કે આ ગુપ્ત માહિતી હવે પોલીસને બદલે પહેલા ખાનગી કંપની પાસે જાય છે.
પોલીસની સ્વાયત્તતા: જે કામ પોલીસે કરવાનું હોય તે ખાનગી કંપની કરી રહી છે. આ વ્યવસ્થાથી એવું લાગે છે કે કંપની પોલીસની 'બોસ' બની રહી છે.
ખાનગીકરણનો વિરોધ: પહેલા તમામ કોલ્સ સરકારી કંટ્રોલ રૂમમાં જતા હતા, પરંતુ હવે તે ખાનગી કોલ સેન્ટરમાં ડાયવર્ટ થાય છે.
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, પોલીસ અને રૂપિયા સરકારના છે, તો ફાયદો ખાનગી કંપનીને કેમ? સરકાર જાહેર કરે કે પોલીસનું પ્રાઈવેટાઈઝેશન ક્યારથી શરૂ કર્યું અને કઈ કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
રાજ્યની સુરક્ષા સામે જોખમ ?
ધારાસભ્યએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો રાજ્યની સુરક્ષા સાથે સંકળાયેલી માહિતી ખાનગી હાથોમાં જાય તો તે આવનારા સમયમાં જોખમી સાબિત થઈ શકે છે. સરકાર આ મામલે સ્પષ્ટતા કરે તેવી માંગ ઉઠી છે.








