મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Radhanpur news: અમારી દીકરી પરત આપો...', ભાભરના રૂણી ગામમાં ચૌધરી સમાજનું મહા સંમેલન

રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદ

Radhanpur news: અમારી દીકરી પરત આપો...', ભાભરના રૂણી ગામમાં ચૌધરી સમાજનું મહા સંમેલન

રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદ બાદ હવે ભાભરના રુણી ગામમાં ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા અંગે આજે (18 માર્ચ) એક મહા સંમેલન યોજાયું છે. આ સંમેલનમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી આંજણા ચૌધરી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા છે. 64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રજનેશ ચૌધરીએ આ તકે જાહેરાત કરી હતી કે, આગામી એક અઠવાડિયામાં દીકરીને પરત લાવવાની જવાબદારી લેવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં દીકરી પરત નહીં આવે, તો સમાજ દ્વારા આગળની આક્રમક વ્યૂહનીતિ નક્કી કરવામાં આવશે.

કિંજલ રબારીના લગ્ન બાદ શરૂ થયો છે વિવાદ

આ સમગ્ર વિવાદ પાછળની ઘટના જોઈએ તો, અગાઉ રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. તે સમયે રબારી અને ચૌધરી બંને સમાજના આગેવાનોએ પરસ્પર સહમતિ સાધીને રબારી સમાજની દીકરીને પરત સોંપી દીધી હતી. 

અમારી દીકરી પરત આપો: ચૌધરી સમાજ

જો કે, આ ઘટના બાદ ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંકુ ચૌધરીએ આશરે દોઢ-બે વર્ષ પહેલાં ઉણ ગામના મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં એક બાળક પણ છે. હવે ચૌધરી સમાજ આ દીકરીને પરત લાવવાની માંગ સાથે એકજૂટ થયો છે. ચૌધરી સમાજ રબારી સમાજ પાસે અપેક્ષા રાખે છે કે અમારી દીકરી પરત આપો.

સમાજના સન્માન અને સ્મિતાનો વિષય

સમાજના આગેવાનોનું કહેવું છે કે આ મામલો સમાજના સન્માન અને અસ્મિતા સાથે સંકળાયેલો છે, તેથી સર્વસંમતિથી દીકરીને પરત લાવવાનો નિર્ણય લેવો અનિવાર્ય છે. બીજી તરફ, કંકુ ચૌધરીએ ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેણે પોતાના પરિવારમાં કોઈ વિખવાદ ન સર્જાય તેવી ભાવુક અપીલ કરી હતી. હાલમાં આ મામલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે અને આગામી એક સપ્તાહ સમાજની વ્યૂહનીતિ માટે અત્યંત મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો