જન્મદિવસે શ્વાનથી બચવા ગુમ થઈ ગયેલી બાળકી ઉગારાઈ, સુરત પોલીસે 16 કલાકની જહેમત બાદ ઉજવ્યો બર્થ ડે
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી બાળકી ગુમ થઈ ગઈ હતી. શ્વાન દોડતા નજીકમાં જ એક ધીમી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી બાળકી ગુમ થઈ ગઈ હતી. શ્વાન દોડતા નજીકમાં જ એક ધીમી પડેલી રિક્ષામાં બાળકી બેશી ગઈ હતી. રિક્ષામાં સવાર લોકો આ બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસની શી ટીમ દ્વારા આ બાળકીની સંભાળ રાખવામાં આવી હતી. રાત સહિત સોળ કલાકની જહેમત બાદ બાળકીના પિતા સુધી પહોંચ્યા હતા. પિતા સુધી પહોંચ્યા બાદ જાણ થઈ હતી કે આ બાળકીનો જન્મદિવસ છે. જેથી શી ટીમ અને કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી ઓસુરા દ્વારા પોલીસ સ્ટેશનમાં જ આ બાળકીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકીને પિતાને સોંપવામાં આવી હતી.
કેટરર્સના કામદારોની રિક્ષામાં બેઠી હતી
કાપોદ્રાની શ્રીજી નગર સોસાયટીમાં અરવિંદભાઈની સાત વર્ષની દીકરી રાત્રે 11 વાગ્યા બાદ ગુમ થઈ ગઈ હતી. સાત વર્ષની બાળકી રાત્રે 11:30 થી 12:00 વાગ્યા આસપાસ ઘરેથી નીકળીને સોસાયટી બહાર રોડ પર આવી ગઈ હતી. દરમિયાન તેના પાછળ શ્વાન દોડ્યાં હતા. જેથી ત્યાં નજીકમાં જ બમ્પ હોવાથી એક ધીમી પડેલી રીક્ષા માટે દોડીને બેશી ગઈ હતી. રાત્રિના સમયે રિક્ષા કરીને કેટરર્સ ના કામદારો પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ બાળકી મળતા તેમણે બાળકીને પૂછપરછ કરી હતી જોકે બાળકે કઈ બોલી ન હતી. જેથી આ રિક્ષામાં જ બાળકીને કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.
20 પોલીસકર્મીઓ કામે લાગ્યા
રાત્રિનો સમય હોવાથી આ બાળકીને કાપોદ્રા પોલીસ સ્ટેશનની શી ટીમની સાથે રાખવામાં આવી હતી. શી ટીમની બે મહિલા કર્મીઓ બાળકીની સાર સંભાળ રાખી રહી હતી. રાત્રિના સમયે બાળકી મળી હોવાથી રાતથી જ પોલીસ દ્વારા બાળકીના માતા-પિતાને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શી ટીમ સહિત કાપોદ્રા પોલીસના 20 જેટલા પોલીસકર્મીઓ આ બાળકીના માતા પિતાને શોધવાની કામગીરી કરી રહ્યા હતા. 16 કલાક બાદ પોલીસ કર્મીઓ આ બાળકીના માતા-પિતા સુધી પહોંચ્યા હતા.
પોલીસ સ્ટેશનમાં જન્મદિવસ ઉજવાયો
પોલીસ દ્વારા પિતા પાસે આધાર કાર્ડ માંગવામાં આવતા આ બાળકીનો આજે જન્મદિવસ હોવાની પોલીસને જાણ થઈ હતી. શી ટીમ સાથે રહેલી અને પોલીસ સ્ટેશનમાં રહેલી આ બાળકી સાથે એક નાતો બંધાઈ ગયો હોય તેમ પોલીસ દ્વારા આ બાળકીનો જન્મદિવસ પોલીસ સ્ટેશનમાં જ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી એક કેક મંગાવવામાં આવી હતી તેના પર આ બાળકીનું નામ લખાયું હતું અને એક કટ કરીને આ બાળકીને તેના પિતાને સોંપવામાં આવી હતી. પિતા દ્વારા પણ આ બાળકીને શોધી આપનાર પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.








