VIDEO: રેસ્ટોરન્ટમાં અસલી અથવા એનાલોગ પનીરના બોર્ડ લગાવવા ફરજિયાત, આરોગ્ય મંત્રીએ કર્યો આદેશ
સુરતમાં પકડાયેલા ડુપ્લીકેટ પનીર પકડાયા બાદ આરોગ્ય મંત્રી લાલઘૂમ થયા છે. મંત્રી પ્રફ

સુરતમાં પકડાયેલા ડુપ્લીકેટ પનીર પકડાયા બાદ આરોગ્ય મંત્રી લાલઘૂમ થયા છે. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાજેતરમાં જ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં તેઓએ આદેશ કર્યો છે કે હવેથી હોટેલ અને રેસ્ટોરન્ટમાં અસલી પનીર અને એનાલોગ પનીરના બોર્ડ લગાવવા ફરજિયાત રહેશે. અસલી પનીરને ઓળખવા માટે તંત્રએ આ નિયમ બહાર પાડ્યો છે. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગ્રાહકો શું ખાઈ રહ્યા છે તે જાણવાનો તેઓને સંપૂર્ણ અધિકાર છે.
નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરનું વેચાણ રોકવા પણ સરકારે આ આદેશ કર્યો છે. જે હોટલધારકો એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે, તેમણે કાઉન્ટર પર અથવા મેનુ કાર્ડની સાથે સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશે કે 'અહીં એનાલોગ પનીરનો ઉપયોગ થાય છે.' આ આદેશનું ઉલ્લંઘન કરનારા એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવશે અને લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.
1400 કિલો પનીરનો જથ્થો તપાસમાં સબ-સ્ટાન્ડર્ડ જાહેર
સુરતમાં પાંડેસરામાં પનીરના કારખાનામાંથી ઝડપાયેલા શંકાસ્પદ પનીરનો જથ્થો તપાસમાં સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયો છે. સુરત શહેર એસ.ઓ.જી. દ્વારા કારખાનાના સંચાલક વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી મહેશકુમાર શર્મા સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન 1401 કિલોગ્રામ લૂઝ પનીર અને અન્ય મશીનરી મળી કુલ રૂપિયા 28 લાખ 44 હજાર 170નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પામોલીન તેલના ડબ્બા અને એસિડિક એસિડ જેવી શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી હતી.
એનાલોગ પનીર એટલે શું?
એનાલોગ પનીર એટલે એવું પનીર જે શુદ્ધ દૂધમાંથી નહીં, પરંતુ વનસ્પતિ તેલ, ફેટ અને સ્ટાર્ચના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. તેને સામાન્ય ભાષામાં 'નકલી પનીર' અથવા 'વેજીટેબલ પનીર' પણ કહેવામાં આવે છે.
તે કેવી રીતે બને છે?
સાધારણ પનીર દૂધને ફાડીને બનાવવામાં આવે છે, જ્યારે એનાલોગ પનીર બનાવવા માટે દૂધના ફેટ (Milk Fat) ને બદલે પામ ઓઈલ અથવા અન્ય વનસ્પતિ તેલનો ઉપયોગ થાય છે. તેમાં દૂધનો પાવડર અને પાણી ઉમેરવામાં આવે છે. તેને પનીર જેવો આકાર અને મજબૂતી આપવા માટે સ્ટાર્ચ અથવા કેમિકલ સ્ટેબિલાઈઝર્સનો ઉપયોગ કરવામાં આવે છે.








