LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર: 2.63 લાખ ઉમેદવારોએ માર્યું મેદાન, જાણો ક્યારે લેવાશે લેખિત પરીક્ષા!
LRD Physical Test Result-2026: ગુજરાત

LRD Physical Test Result-2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલી લોકરક્ષક દળ (LRD) અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની અતિ મહત્ત્વની ભરતી પ્રક્રિયામાં મોટું અપડેટ આવ્યું છે. લાંબી પ્રતીક્ષા બાદ શારીરિક ક્ષમતા કસોટીનું સત્તાવાર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ સાથે જ હવે રાજ્યના લાખો યુવાનો માટે ખાખી પહેરવાનું સપનું સાકાર થવા તરફ એક મજબૂત ડગલું ભરાયું છે.
2.63 લાખથી વધુ ઉમેદવારો સફળ
રાજ્યભરના 15 કેન્દ્રો પર ગત 21 જાન્યુઆરી, 2026થી શરૂ થયેલી શારીરિક કસોટીમાં લાખો ઉમેદવારોએ ભાગ લીધો હતો. RFID ચિપ, લેપ ડેટા અને CCTV ફૂટેજ જેવી આધુનિક ટેક્નોલૉજી (Technology)ના ઉપયોગ દ્વારા અત્યંત પારદર્શક રીતે લેવાયેલી આ કસોટીમાં અંદાજે 2.63 લાખથી વધુ ઉમેદવારો લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે. જેમાં કૉન્સ્ટેબલ અને PSI બંને કેડરના ઉમેદવારોનો સમાવેશ થાય છે.
લેખિત પરીક્ષાની તારીખ જાહેર: 14 જૂને રણસંગ્રામ
શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો માટે હવે સૌથી મોટો પડકાર લેખિત પરીક્ષાનો રહેશે. ભરતી બોર્ડ દ્વારા જાહેર કર્યા મુજબ, આ લેખિત પરીક્ષા 14 જૂન, 2026 (રવિવાર)ના રોજ યોજાશે. ઉમેદવારો પાસે હવે તૈયારી માટે મર્યાદિત સમય હોવાથી વાંચન અને રિવિઝન પર ભાર મૂકવો અનિવાર્ય બન્યું છે.
વાંધા અરજી માટે મહત્વની સૂચના
જો કોઈ ઉમેદવારને જાહેર થયેલા પરિણામ, ગુણ કે પોતાની કેટેગરી બાબતે કોઈ વિસંગતતા જણાય, તો તેઓ 8 એપ્રિલ, 2026 (સાંજે 5:30 વાગ્યા સુધી)માં પોતાની રજૂઆત કરી શકશે. ઉમેદવારોએ જરૂરી પુરાવા અને કોલ લેટર સાથે ગાંધીનગર ખાતે પોલીસ ભરતી બોર્ડની કચેરીએ રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ મારફતે અરજી કરવાની રહેશે.
પરિણામ કેવી રીતે જોશો?
ઉમેદવારો પોતાનું પરિણામ જોવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પર જઈ શકે છે. અહીં પુરુષ, મહિલા અને માજી સૈનિકોની યાદી અલગ-અલગ અપલોડ કરવામાં આવી છે.








