Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Impact of upper air cyclonic circulation in Gujarat, thunderstorm and rainy conditions occurred in more than 20 districts

VIDEO: ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો માહોલ! , 20થી વધુ જિલ્લામાં વાવાઝોડું અને વરસાદી માહોલ સર્જાયો

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા હવામાન વિભાગે ૧૯ અને ૨૦ માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૨૦થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું વરસ્યું છે. આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદ પંથકમાં વરસાદની શક્યતા છે. કમોસમી વરસાદના આ સંકટને પગલે ખેડૂતોને પોતાના પાકની સલામતી રાખવા માટે તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે.

App Store

પાટણ જિલ્લામાં અચાનક વાવાઝોડું ફૂંકાયું 

સખત ગરમી અને ઉકળાટ વચ્ચે આજે વહેલી પરોઢે પાટણ જિલ્લામાં અચાનક વાવાઝોડું ફૂંકાયું હતું. ચૈત્ર માસના પ્રથમ દિવસે જ ચૈત્રી વાયરાને બદલે આવેલા આ તોફાને જિલ્લાવાસીઓને ચિંતામાં મૂકી દીધા છે. આશરે 25 મિનિટ સુધી જિલ્લાને ઘમરોળનાર આ વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ પતરા અને શેડ ઉડી ગયા હતા.

અમદાવાદમાં વહેલી સવારે ભારે પવન ફૂંકાયો

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં વહેલી સવારથી ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે શહેરના કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો બન્યા છે. ઉજાલા અને વણઝર જેવા વિસ્તારોમાં ભારે પવનને કારણે લાઈટો ગુલ થઈ ગઈ હતી. ઝાડ પડવાના કોલ મળતા જ ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રસ્તાઓ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી.

સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો

સાબરકાંઠા જિલ્લામાં ચૈત્રી માસના પ્રારંભે જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી જ ભારે વાવાઝોડું ફૂંકાતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેતરમાં સુકવવા મુકેલી તમાકુ પવનમાં ઉડી ગઈ છે, જ્યારે ઘઉંના પાકને પણ ભારે ફટકો લાગ્યો છે. અચાનક આવેલા આ વાવાઝોડાથી ખેડૂતોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગરના રણમાં ભારે પવન અને વરસાદ

સુરેન્દ્રનગરના રણમાં ભારે પવન અને વરસાદથી અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. મીઠું પકવવાની સિઝન વચ્ચે આવેલા આ વાતાવરણ પલટાએ અગરિયાઓના ઝુંપડા ઉડાડ્યા છે અને મોંઘીદાટ સોલાર પેનલો તોડી નાખી છે. વરસાદને કારણે મીઠાના ઉત્પાદનને પણ વ્યાપક નુકસાનની ભીતિ છે. ખેડૂતો બાદ હવે રણના અગરિયા પરિવારો ભારે પવન અને વરસાદ વચ્ચે ફસાતા ભયભીત બન્યા છે, જેનાથી તેમની આજીવિકા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.

મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો

મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારે ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો અને લાઈટો ગુલ થઈ ગઈ. ઉનાળાની ગરમી વચ્ચે લોકોને ઠંડકનો અહેસાસ થયો. હવામાન વિભાગે આગાહી મુજબ આ બદલાવ નોંધાયો હોવાનું જણાવ્યું છે. અચાનક બદલાયેલા માહોલથી લોકોમાં આશ્ચર્ય સાથે રાહતનો માહોલ જોવા મળ્યો.

બનાસકાંઠા જિલ્લામાં વાવઝોડા સાથે વરસાદ

બનાસકાંઠાના વાવ, થરાદ, દિયોદર અને લાખણી પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાનની ભીતિ છે. ખાસ કરીને ખેતરોમાં ઉભેલા તમાકુ, વરિયાળી, દિવેલા અને ઘઉં જેવા રવિ પાકોને ભારે ફટકો પડ્યો છે. ઉનાળાની શરૂઆતે જ વરસેલા આ માવઠાથી જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે.