VIDEO: ગુજરાતમાં હોળી-ધૂળેટી પર્વ શોકમાં ફેરવાયો, રાજ્યમાં અલગ-અલગ નદી-તળાવોમાં ડૂબી જવાથી 12થી વધુ આશાસ્પદ યુવાનોના કરુણ મોત
VIDEO: સમગ્ર રાજ્યમાં આજે જ્યારે રંગોના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે અનેક સ્થળોએ આ ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ છે. ગુજરાતના સુરત, રાજકોટ, મહેસાણા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં નદી, તળાવ અને કેનાલમાં ન્હાવા પડેલા અનેક યુવાનો અને સગીરોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે.
બારડોલી અને મહેસાણામાં ભારે જાનહાનિ
સુરત જિલ્લાના બારડોલીના ઈસરોલી ગામે મિઢોળા નદીમાં ન્હાવા પડેલા 5 મિત્રો પૈકી 3 યુવકોના (ભૂમિત મિસ્ત્રી, નીલ સોલંકી, અભિષેક ચૌધરી) મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એકની શોધખોળ હજુ ચાલુ છે. તેવી જ રીતે મહેસાણાના મોટીદઉ ગામ પાસે સુજલામ સુફલામ કેનાલમાં 4 યુવાનો ડૂબ્યા હતા, જેમાંથી 2ને બચાવી લેવાયા છે પણ 2 યુવાનોના કમનસીબ મોત થયા છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ કરુણાંતિકા
રાજકોટના જામકંડોરણા પંથકના બેલા ગામમાં 13 વર્ષના બે સગીર મિત્રો, મહાવિરસિંહ જાદવ અને આયુષ શિયાળના નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. અરવલ્લીમાં પણ માઝુમ નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના (આનંદભાઈ ખાંટ અને રણજીતસિંહ ડાભી) ડૂબી જવાથી મોત નીપજ્યા છે. મહીસાગરના કોઠંબા પાસે તળાવમાં ન્હાવા પડેલા 4 યુવાનો પૈકી તમામના મોત થતા સમગ્ર પંથક સ્તબ્ધ થઈ ગયો છે.
આ તમામ ઘટનાઓમાં સ્થાનિક તરવૈયાઓ, ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તહેવારોના સમયે જળાશયોમાં ન્હાવા જવાનું સાહસ અનેક પરિવારો માટે કાયમી શોકનું કારણ બન્યું છે.

