Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat Police's master plan against drug mafia, NARIT AI tool launched for the first time in the country

Gujarat news: ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત પોલીસનો માસ્ટર પ્લાન, દેશમાં પ્રથમવાર લોન્ચ કર્યું NARIT AI ટૂલ

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Gujarat news: ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત પોલીસનો માસ્ટર પ્લાન, દેશમાં પ્રથમવાર લોન્ચ કર્યું NARIT AI ટૂલ
સોર્સ : GSTV

રાજ્યમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા ગુજરાત પોલીસે ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ લોન્ચ કર્યુ છે. આ પહેલનો હેતું નાર્કોટિક્સ સંબંધિત તપાસને અસરકારક બનાવવાનો છે અને કોર્ટમાં ટ્રાયલ દરમિયાન કેસને વધુ મજબૂત બનાવી આરોપીઓને સજા અપાવવાનો છે. 

App Store

શું છે ‘NARIT AI’ અને તે કેવી રીતે કામ કરે છે?

NARIT AI એક Retrieval Augmented Generation (RAG) આધારિત સિસ્ટમ છે, જે NDPS કાનૂની માળખા હેઠળના જટિલ નાર્કોટિક્સ કેસોને હેન્ડલ કરવામાં તપાસ કરનાર અધિકારી અને એજન્સીને મદદરૂપ થાય છે. મહત્વની વાત એ છે કે, આ ટૂલ દરેક કેસ સંદર્ભે કાનૂની જોગવાઈઓ, કાયદા અને તપાસ પ્રક્રિયાઓને એકઠી કરીને તપાસ અધિકારીઓને રિયલ-ટાઈમ વિશ્લેષણ કરી કાનુની સલાહ પણ આપે છે. 

ગુજરાત પોલીસની ખાસ પહેલ

પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર, અગાઉ તપાસ માત્ર વિશેષ તાલીમ પ્રાપ્ત પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરાતી હતી, જેના કારણે કામનો ભાર અને વહીવટી વિલંબ સર્જાતો હતો. આ ટૂલ નવીન RAG આધારિત AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ‘ફોર્સ મલ્ટિપ્લાયર’ તરીકે કાર્ય કરશે અને દરેક તપાસ અધિકારીને નિયમો મુજબ યોગ્ય તપાસ કરવાની સક્ષમતા આપશે, જેના કારણે NDPS કેસોમાં કન્વિક્શન રેટ (conviction rate) સુધરશે. આ એપ્લિકેશન હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક કેસ, બેર એક્ટ્સ અને સરકારી માર્ગદર્શિકાઓ પર તાલીમિત હોવાથી ‘હેલ્યુસિનેશન’ની શક્યતા ખૂબ ઓછી છે અને તપાસ અધિકારીને વૈજ્ઞાનિક ઢબે તપાસમાં મદદરૂપ થાય છે. 

ડ્રગ્સ સંબધિત કેસોની તપાસમાં સૌથી મોટો પડકાર પ્રક્રિયાત્મક પાલનનો હોય છે. ભૂતકાળમાં એવું જોવામાં આવ્યું છે કે મજબૂત પુરાવા હોવા છતાં તપાસની પ્રક્રિયામાં રહેલી ખામીઓના કારણે આરોપીઓ છુટી જાય છે. આ એપ્લિકેશન દરેક તપાસ અધિકારીને વિગતવાર રિપોર્ટ આપશે, જેનો ઉપયોગ અંતિમ નિર્ણય લેતી વખતે કરી શકાશે. આથી પ્રક્રિયાત્મક ખામીઓ ટાળવામાં મદદ મળશે, તપાસની ગુણવત્તામાં સુધારો થશે અને અંતે NDPS કેસોમાં દોષિત ઠરાવ દર વધશે.

તપાસ અધિકારીઓને કેવી રીતે મદદરૂપ થશે?

સૌપ્રથમ, પોલીસ અધિકારીએ FIR આ એપ્લિકેશનમાં અપલોડ કરવી પડશે. અપલોડ થયા પછી સિસ્ટમ વિશ્લેષણ રિપોર્ટ તૈયાર કરશે. આ રિપોર્ટ કેસની મજબૂતીઓ અને નબળાઈઓનું મૂલ્યાંકન કરશે અને કાનૂની ઉપાયો સૂચવશે. આ ટેક્નોલોજી NDPS સંબધિત કેસોમાં પોલીસ કર્મચારીઓને તપાસમાં માર્ગદર્શન પૂરુ પાડશે, જેમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓના આધારે સૂચનો, કાનૂની પ્રક્રિયાનો પાલન, FIRની કાનૂની દ્રષ્ટિએ નબળાઈઓની ઓળખ, શુ કરવુ અને શુ ન કરવુ તેની સલાહ આપશે અને પુરાવાઓનું ચેકલિસ્ટ પણ આપશે. આ એપ્લિકેશન તપાસ અધિકારીઓને પ્રક્રિયાત્મક ભૂલો ટાળવામાં મદદરૂપ થશે.

આ નવી AI આધારિત સિસ્ટમ શું કરે છે?

આ એપ્લિકેશન FIRની માહિતી ઇનપુટ તરીકે લઈ કેસનું વિગતવાર વિશ્લેષણ કરે છે અને રિપોર્ટ જનરેટ કરે છે. આ મોડલ નવીન RAG આધારિત AI ટેક્નોલોજી પર આધારિત છે અને NDPS કેસોમાં જામીન અને ટ્રાયલ સંબંધિત હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ, BNS, BNSS, BSAના બેર એક્ટ્સ, NDPS એક્ટ, 1985 તેમજ સરકારી માર્ગદર્શિકા અને સર્ક્યુલર્સ પર આધારિત છે.

RAG ટેક્નોલોજી આધારિત આ AI સિસ્ટમ માત્ર તેને આપેલા ડેટાબેઝનો ઉપયોગ કરીને FIRનું વિશ્લેષણ કરે છે અને ઓપન ઇન્ટરનેટ સર્ચ પર આધાર રાખતી નથી, જેના કારણે ‘હેલ્યુસિનેશન’ની શક્યતા દૂર થાય છે. આ એપ્લિકેશન ગુજરાત હાઈકોર્ટની તાજેતરની AI ઉપયોગ સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરે છે અને તે મુજબ આ એક ખાનગી AI સિસ્ટમ તરીકે વર્ગીકૃત છે, જે ખાસ કરીને ગુજરાત પોલીસ માટે વિકસાવવામાં આવી છે અને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ નથી.

કોર્ટ ટ્રાયલમાં પણ માર્ગદર્શન આપશે 

આ એપ્લિકેશન તપાસ માર્ગદર્શિકા આપવા ઉપરાંત, કોર્ટમાં સંભવિત બચાવ દલીલોનું પૂર્વાનુમાન લગાવી શકે છે અને હાઈ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક કેસ કાયદાના આધારે તેનો પ્રતિભાવ પણ સૂચવે  છે.  RAG આધારિત AI ટેક્નોલોજી ‘હેલ્યુસિનેશન’ (ખોટી ધારણા)ને ઓછી કરે છે અને કાનૂની જોગવાઈઓ અને કેસ કાયદા પર આધારિત ચોક્કસ પરિણામો આપે છે.