MSPને લઈને ખેડૂતો માટે ખુશખબર; 4 પાકના ટેકાના ભાવ જાહેર, આવતીકાલથી નોંધણી શરૂ

ગુજરાતના ખેડૂતોને તેમની ઉત્પાદિત જણસીઓના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ખરીફ સીઝન 2026-27 માટે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કર્યું છે. આ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે આવતીકાલ તારીખ 10-09-2026થી આગામી તારીખ 09-10-2026 એટલે કે એક મહિના સુધી નોંધણી કરાવી શકાશે. ફાર્મર્સ રજીસ્ટ્રેશન (ફાર્મર આઈડી) ધરાવતા ખેડૂતોનું આધાર ઓથેન્ટિકેશન દ્વારા ઈ-ગ્રામ કેન્દ્રો પરથી વિનામૂલ્યે નોંધણી કરવામાં આવશે.
કયા પાકના કેટલા ભાવ?
ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડવા માટે કેન્દ્ર સરકારની ‘પી.એમ. આશા’ (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2026-27 માટે મગફળીના રૂ. 7517 પ્રતિ ક્વિન્ટલ, મગના રૂ. 8780 પ્રતિ ક્વિન્ટલ, અડદના રૂ. 8200 પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીનના રૂ. 5708 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
મગફળી: રૂ. 7517 પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂ. 1503.40 પ્રતિ મણ
મગ: રૂ. 8780 પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂ. 1756 પ્રતિ મણ
અડદ: રૂ. 8200 પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂ. 1640 પ્રતિ મણ
સોયાબીન: રૂ. 5708 પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂ. 1141.60 પ્રતિ મણ
ખેડૂતો પોતાની સુવિધા મુજબ બે રીતે નોંધણી કરાવી શકે છે
ખેડૂત પોતે પોતાના સ્માર્ટફોનથી gjfr.agristack.gov.in પોર્ટલ પર જઈને અથવા 'ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત' મોબાઈલ એપ ડાઉનલોડ કરીને નોંધણી કરી શકે છે.
ગામના વી.સી.ઇ., વી.એલ.ઇ. ઓપરેટર, સી.એસ.સી. સેન્ટર્સ અથવા ગ્રામસેવક પાસે જઈને નોંધણી કરાવી શકે છે.
ચુકવણી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થશે
ફાર્મર્સ રજીસ્ટ્રેશન હેઠળ આવરી લીધેલ સર્વે નંબરનો વિસ્તાર નોંધણી માટે ધ્યાને લેવાશે, તેથી ખેડૂતોને પોતાના તમામ સર્વે નંબરનો સમાવેશ કરાવી લેવા વિનંતી છે. ખેત જણસીઓની ચૂકવણી સીધી બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફત કરવામાં આવતી હોવાથી, તમામ ખેડૂતોને તેમના બેંક એકાઉન્ટ ફરજિયાત આધાર સીડીંગ કરાવી એક્ટિવ રાખવા અનુરોધ કરાયો છે જેથી નાણાકીય ચૂકવણીમાં કોઈ વિલંબ ન થાય. રાજ્યના તમામ મગફળી, મગ, અડદ અને સોયાબીન પકવતા ખેડૂતોને સમયસર નોંધણી કરાવી આ યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

