162 ધારાસભ્યોની બહુમતી છતાં ભાજપ બેબાકળું, સ્નેહમિલનના નામે ડખા ડામવા પ્રયાસ!

ગુજરાતમાં 162 ધારાસભ્યોની સંપૂર્ણ બહુમતી હોવા છતાં વર્તમાન સામાજિક અને રાજકીય સમીકરણોને જોતાં ભાજપ જાણે બેબાકળું બન્યું છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ડેમેજ કંટ્રોલ અને સંગઠન મજબૂત કરવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે. આજે (22 નવેમ્બર) ના રોજ એક જ દિવસે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર 'દિવાળી સ્નેહમિલન' કાર્યક્રમોનું આયોજન કરીને ભાજપ શક્તિ પ્રદર્શન કરશે, સાથે જૂના જોગીઓને ફરી સક્રિય કરશે અને આંતરિક જૂથવાદ ડામવાનો પ્રયાસ કરાશે.
'કમલમ'માંથી પેજપ્રમુખો સુધી હાજર રહેવા આદેશ
વડાપ્રધાનની પાટનગર મુલાકાત બાદ ભાજપ પ્રદેશ સંગઠનમાં હલચલ વધી છે. સ્નેહમિલનના બહાને વર્ષોથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂના અને નિષ્ક્રિય નેતાઓને માનપાન આપી ફરી મેદાનમાં ઉતારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પ્રદેશ કાર્યાલય 'કમલમ' તરફથી તમામ ધારાસભ્યો, હોદ્દેદારો અને છેક 'પેજસમિતિ'ના પ્રમુખો સુધીના કાર્યકરોને ફરજિયાત હાજર રહેવા સૂચના અપાઈ છે. આ કાર્યક્રમ થકી પક્ષ એક તરફ શક્તિપ્રદર્શન કરશે, તો બીજી તરફ સ્થાનિક સ્તરે ચાલતી આંતરિક ખેંચતાણ ભૂલીને એક થવાનો સંદેશ આપશે.
આંતરિક ડખા અને અસંતોષથી હાઈકમાન્ડની સીધી નજર
ગુજરાતમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. તેમ છતાં ભાજપ હાઈકમાન્ડ રાજ્યની સ્થિતિ પર સીધી નજર રાખી રહ્યું છે, કારણ કે વિપક્ષ કરતાં ભાજપને પોતાના પક્ષમાં ખદબદતાં આંતરિક જૂથવાદથી વધુ ડર લાગી રહ્યો છે.
વિવિધ મુદ્દે સરકાર સામે ભારે અસંતોષ, ખુદ મુખ્યમંત્રી ગામડાઓ ખૂંદવા મજબૂર
આ ઉપરાંત એક તરફ પાણીની અછત અને પાક નુકસાનીના મુદ્દે ખેડૂતોમાં નારાજગી છે, તો બીજી તરફ આંગણવાડી બહેનોથી લઈને વિવિધ સરકારી કર્મચારીઓના આંદોલનોએ સરકારની ચિંતા વધારી છે. મોંઘવારી, બેરોજગારી અને કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો વચ્ચે આદિવાસી વિસ્તારોમાં સરકાર સામે ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ પડકારોને પગલે ખુદ મુખ્યમંત્રી અને મંત્રીઓ આદિવાસી ગામડાઓ ખૂંદવા મજબૂર બન્યા છે.












