3,575 કરોડ ખર્ચ્યા છતાં ગુજરાતનું પાતાળ ખાલી! ક્યાંક 88 તો ક્યાંક 90 મીટરે પહોંચ્યાં પાણીના તળ

ગુજરાતમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટે રૂ. 3,575 કરોડથી વધુનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં જમીની હકીકત અત્યંત ચિંતાજનક છે. ખુદ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભૂગર્ભ જળના તળ સતત ઊંડા જઈ રહ્યા છે. માત્ર જળસ્તર જ નહીં, પરંતુ ભૂગર્ભ જળની ગુણવત્તા પણ જોખમી સ્તરે પહોંચી ગઈ છે. રાજ્યમાં પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ભૂગર્ભ જળના સ્તર છેક 88 મીટર સુધી નીચે પહોંચી ગયા છે.
ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી વિકટ સ્થિતિ
રાજ્યમાં ભૂગર્ભ જળના બેરોકટોક વપરાશને કારણે કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં સ્થિતિ અત્યંત વિકટ બની છે. સરકારે રજૂ કરેલી સત્તાવાર વિગતો મુજબ, કચ્છના અંજારમાં 88 મીટર, માણસામાં 90 મીટર, ઊંઝામાં 55 મીટર અને પાટનગર ગાંધીનગરમાં 54 મીટર સુધી પાણીના તળ નીચે ઉતરી ગયા છે. આ ઉપરાંત બનાસકાંઠાના દિયોદર જેવા વિસ્તારોમાં પણ પરિસ્થિતિ વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે.
ઉપલબ્ધ જથ્થામાંથી 54 ટકાથી વધુ પાણીનું ખેંચાણ
સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતમાં વાર્ષિક સરેરાશ 27.58 મિલિયન ક્યુબિક મીટર પાણી રિચાર્જ થાય છે, જેની સામે 25.58 BCM જેટલો જથ્થો ઉપલબ્ધ રહે છે. રાજ્યમાં કુલ ઉપલબ્ધ ભૂગર્ભ જળમાંથી 54 ટકાથી વધુ પાણી જમીનમાંથી ખેંચી લેવામાં આવે છે, જેમાં સૌથી મોટો હિસ્સો ખેતીવાડીનો છે. ભૂગર્ભ જળમાં સુધારો લાવવા માટે સુજલામ-સુફલામ અને અટલ ભૂજળ યોજના પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ કરોડોના ખર્ચ છતાં આ સ્કીમો માત્ર કાગળ પર જ રહી હોવાનું અને જમીની સ્તરે પરિણામ શૂન્ય હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
નાઈટ્રેટ અને ફ્લોરાઈડયુક્ત પાણીથી બીમારીઓનો ભરડો
જમીનમાં ઊંડા બોરવેલમાંથી ખેંચાતા પાણીમાં નાઈટ્રેટ અને ફ્લોરાઈડ જેવા માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક ક્ષારોનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે. આ દૂષિત અને ક્ષારયુક્ત પાણી પીવાથી લોકોમાં ચામડીના રોગો, પેટની બીમારીઓ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સાંધાના દુઃખાવાના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.
તંત્રના દાવા અને નિષ્ણાતોની ચેતવણી
બીજી તરફ, સરકારી તંત્રનો એવો દાવો છે કે નર્મદાના નીર, તળાવો ઊંડા કરવાની કામગીરી અને ટપક સિંચાઈ પદ્ધતિને કારણે ચોમાસા બાદ ઘણા વિસ્તારોમાં જળસ્તરમાં સુધારો નોંધાયો છે. જોકે, પીવાના પાણીની ગુણવત્તા અને ઘટતા જળસ્તરનો પડકાર હજુ પણ યથાવત છે. નિષ્ણાતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં ભૂગર્ભ જળના બેફામ વપરાશ પર અંકુશ મૂકવામાં નહીં આવે, તો ગુજરાતનું પાતાળ સાવ ખાલી થઈ જશે.














