શેરબજારમાં વિદેશી રોકાણકારોની ધમાકેદાર વાપસી! નવેમ્બરમાં FPIની ₹1 લાખ કરોડથી વધુની જંગી ખરીદી

શેરબજારમાં વિદેશી રોકાણકારોની ધમાકેદાર વાપસી! નવેમ્બરમાં FPIની ₹1 લાખ કરોડથી વધુની જંગી ખરીદી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)નું ભારતીય ઈક્વિટીસમાં ફરી જોરદાર પુનરાગમન જોવા મળી રહ્યું છે. સતત ૧૬ મહિના સુધી વેચવાલ રહ્યા બાદ નવેમ્બરમાં એફપીઆઈની ભારતીય ઈક્વિટીસ કેશમાં નેટ ખરીદી રહી છે.

વર્તમાન મહિનામાં એફપીઆઈની ઈક્વિટીસમાં ખરીદી રૂપિયા એક લાખ કરોડને પાર કરી ગઈ છે જે અત્યારસુધી કોઈ એક મહિનાની વિક્રમી ખરીદી છે, એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયુ હતું.

જાહેરાત

લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (એલટીસીજી) ટેકસ નાબુદ કરવાની હિલચાલ તથા વિશ્વના અન્ય ઊભરતા દેશોની સરખામણીએ ભારતનો આર્થિક વિકાસ દર ઊંચો જોવાઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખી એફપીઆઈસ ફરી ભારત તરફ વળી હોવાનું જણાય છે.

જુલાઈ ૨૦૨૫થી ઓકટોબર, ૨૦૨૬ સુધી દર મહિને એફપીઆઈસ ભારતીય ઈક્વિટીસ કેશમાં નેટ વેચવાલ રહી હતી. આ ૧૬ મહિનામાં વિદેશી રોકાણકારોએ રૂપિયા ૬.૩૨ ટ્રિલિયનની ઈક્વિટીસની વેચવાલી કરી છે જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)એ રૂપિયા ૧૧.૩૨ ટ્રિલિયનની ખરીદી કરી છે.

ભારતીય રૂપિયામાં નબળાઈ, ક્રુડ તેલના ઊંચા ભાવ તથા અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં વધારાને પરિણામે વિદેશી રોકાણકારોની અત્યારસુધી વેચવાલી જોવા મળતી હતી. જ્યારે જંગી રિટેલ ઈન્ફલોના ટેકા સાથે ઘરેલુ ફન્ડોની ઈક્વિટીસમાં ખરીદી આવી રહી છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની આક્રમક ખરીદીને પરિણામે બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ તથા નિફટી૫૦માં નવેમ્બરમાં જોરદાર રિકવરી જોવા મળી છે. સેન્સેકસ તેની ઓલ ટાઈમ હાઈ સપાટી હવે ૨૫૦૦ પોઈન્ટ જેટલો જ દૂર છે જે ત્રણ મહિના અગાઉ ૧૫૦૦૦ પોઈન્ટ જેટલો દૂર હતો.

મૂડી બજારમાં લાગુ કરાયેલા ટેકસના દરન વ્યવહારુ બનાવાશે તો તેનાથી વિદેશી રોકાણને આકર્ષવામાં મદદ મળશે એવી દલીલ કરવામાં આવી રહી છે.

એલટીસીજીમાં ફેરબદલ કરવા સરકાર વિચારી રહી છે, પરંતુ આ ફેરફાર બજેટ પહેલા નહીં આવે તેવી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસિઝ (સીબીડીટી)ના ચેરમેન રવી અગ્રવાલે તાજેતરમાં સ્પષ્ટતા કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત