Happy women's day 2026: નારી સુરક્ષાનું અભેદ્ય કવચ: ‘181 અભયમ’ સેવાના 12 વર્ષ પૂર્ણ, 18 લાખથી વધુ મહિલાઓને મળ્યો સહારો

Happy women's day 2026: ગુજરાત રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અને સ્વાભિમાનના રક્ષણ માટે શરૂ કરવામાં આવેલી ‘181 અભયમ મહિલા હેલ્પલાઈન’ આગામી 8મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ પોતાની સેવાના 12 સફળ વર્ષ પૂર્ણ કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ હેલ્પલાઈન આજે રાજ્યની મહિલાઓ માટે એક મજબૂત સુરક્ષા કવચ સાબિત થઈ છે.
12 વર્ષની સિદ્ધિઓ પર એક નજર
છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં આ હેલ્પલાઈને 18.10 લાખથી વધુ મહિલાઓને પરામર્શ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આંકડાકીય રીતે જોઈએ તો:
રૅસ્ક્યૂ ઓપરેશન: અત્યંત જોખમી પરિસ્થિતિમાં મુકાયેલી 1,09,886 મહિલાઓનું સફળતાપૂર્વક રૅસ્ક્યૂ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડવામાં આવી છે.
સ્થળ પર નિકાલ: 2.29 લાખથી વધુ કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા વિવાદોનો સ્થળ પર જ સુખદ નિકાલ લાવવામાં આવ્યો છે.
ત્વરિત મદદ: 3.60 લાખથી વધુ કિસ્સાઓમાં અભયમની ટીમે રૂબરૂ ઘટનાસ્થળે પહોંચીને મહિલાઓની વ્હારે આવી છે.
ટેક્નોલૉજી અને સુરક્ષાનો સંગમ
ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને મહિલા-બાળ વિકાસ વિભાગના સંકલનથી તૈયાર થયેલું આ માળખું અત્યંત આધુનિક છે. રાજ્યમાં 59 જેટલી જીપીએસ (GPS) ટ્રેકિંગથી સજ્જ રૅસ્ક્યૂ વાન 24x7 કાર્યરત છે. વિશેષ કરીને ‘181 મોબાઈલ એપ’માં આપવામાં આવેલા ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ મહિલાઓને મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ પોતાનું ચોક્કસ લોકેશન કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવાની સુવિધા આપે છે.
ગોપનીયતા અને બહુભાષી સેવા
આ હેલ્પલાઈનની સૌથી મોટી વિશેષતા એ છે કે મદદ માંગનાર મહિલાની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. ઘરેલુ હિંસા હોય, છેડતી હોય કે સાયબર ક્રાઈમ—દરેક ક્ષેત્રમાં મહિલાઓને કાનૂની અને માનસિક ટેકો પૂરો પાડવામાં આવે છે. ગુજરાતમાં વસતી અન્ય રાજ્યની મહિલાઓ પણ આ નિ:શુલ્ક સેવાનો લાભ લઈ શકે છે, જે તેને ખરા અર્થમાં ‘સંકટ સમયની સખી’ બનાવે છે.

