વિચિત્ર ઘટના: ડોક્યુમેન્ટ્સ ન હોવાથી અંતિમવિધિ અટકી, પરિવારે અર્થી સાથે મૃતદેહ લઈ હોસ્પિટલ પહોંચ્યો
સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાંથી એક વિચિત્ર અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. 5
સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાંથી એક વિચિત્ર અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. 55 વર્ષીય મહિલાના મૃત્યુ બાદ અંતિમવિધિ માટે તેના મૃતદેહને ઉમરા સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ જરૂરી દસ્તાવેજોના અભાવે અંતિમ સંસ્કાર અટકી પડ્યા હતા. આ કારણે પરિવારજનોને મૃતદેહને 'અર્થી' સાથે જ નવી સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી હતી.
બીમારીથી પીડિત મહિલાનું નિધન
પાંડેસરાના શિવમનગરમાં રહેતા 55 વર્ષીય સુનિતાદેવી વૃજનંદન તાંતી પેરાલીસીસ સહિતની બીમારીઓથી પીડિત હતા. દરમિયાન આજે સવારે લગભગ 10 વાગ્યાના સુમારે ઘરે જ તેમનું નિધન થયું હતું. મહિલાના મોતને પગલે પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી અને અંતિમવિધિની તૈયારીઓ કરવામાં આવી હતી.
પ્રમાણપત્ર ન હોવાથી અંતિમવિધિ અટકી
પરિવારજનો મૃતદેહને અર્થી પર લઈને ઉમરા સ્મશાનભૂમિ ખાતે અંતિમ સંસ્કાર માટે પહોંચ્યા હતા. સ્મશાનના નિયમો મુજબ, સંચાલકો દ્વારા પરિવારજનો પાસેથી મૃત્યુનો પ્રમાણપત્ર સહિતના જરૂરી કાગળિયાં માંગવામાં આવ્યા હતા. જોકે, પરિવાર પાસે આવા કોઈ કાગળિયાં ન હોવાથી ત્યાં સંચાલકો અને પરિવારજનો વચ્ચે વિવાદ સર્જાયો હતો અને અંતિમવિધિ થઇ શકી નહોતી.
મૃતદેહને 'અર્થી' સાથે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો
અંતિમવિધિ અટકી પડતા, પરિવારજનો આખરે મૃતદેહને અર્થી સાથે જ નવી સિવિલ હોસ્પિટલમાં લાવવા મજબૂર બન્યા હતા. અર્થી સાથે મૃતદેહ જોઈને હોસ્પિટલમાં ડોકટરો સહિતનો સ્ટાફ પણ આશ્ચર્યમાં મુકાય ગયો હતો. જોકે, અહીં મહિલાને મૃત જાહેર કર્યા બાદ તમામ જરૂરી કાગળિયાં તૈયાર કરી આપવામાં આવ્યા હતા. જરૂરી પ્રમાણપત્રો મળ્યા બાદ અંતે પરિવારજનો મૃતદેહને ફરીથી અંતિમવિધિ માટે સ્મશાનભૂમિ ખાતે લઇ ગયા હતા








