મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શૌચ ક્રિયાનો 'નવો બિઝનેસ': બોટાદમાં વિનામૂલ્યે ચાલતું શૌચાલય તોડી, ત્રણ વર્ષ બાદ 10 રૂપિયાનું 'ડિજિટલ ટોયલેટ' મૂક્યું! 

બોટાદ નગરપાલિકા દ્વારા શહેરના સૌથી વ્યસ્ત વિસ્તાર ગણાતા હાઈસ્કૂ

બોટાદ નગરપાલિકા દ્વારા શહેરના સૌથી વ્યસ્ત વિસ્તાર ગણાતા હાઈસ્કૂલ ચારરસ્તા પર ડિજિટલ 'પે એન્ડ યુઝ' શૌચાલય શરૂ કરવામાં આવ્યું છે, જેણે નગરપાલિકાની કામગીરી અને પદ્ધતિ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. લોકો અત્યાધુનિક ડિજિટલ શૌચાલય જોઈને આનંદિત થાય છે, પરંતુ તેમાં પ્રવેશ મેળવવા માટે રૂ. 10 નો કોઈન નાખવો ફરજિયાત છે, જેના કારણે સ્થાનિકો અને મુસાફરોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

વિનામૂલ્યે ચાલતા શૌચાલયને કેમ તોડી પડાયું?

બોટાદનો હાઈસ્કૂલ ચારરસ્તા વિસ્તાર અતિ વ્યસ્ત છે, જ્યાં સરકારી બસો, પ્રાઇવેટ વાહનો અને ખાસ કરીને શનિ-રવિમાં સાળંગપુર રોડના યાત્રાળુઓની ભારે અવરજવર રહે છે. રીક્ષા ચાલકોનું પિકઅપ સ્ટેન્ડ પણ અહીં આવેલું છે.

ત્રણ-ચાર વર્ષ પહેલાં આ જ કોર્નર પર એક વિનામૂલ્યે ચાલતું શૌચાલય બનાવવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ વેપારીઓ, દુકાનદારો, મુસાફરો અને યાત્રાળુઓ કરતા હતા. જોકે, નગરપાલિકાએ આ શૌચાલય તોડી પાડીને તેની જગ્યા પર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું સ્ટેચ્યુ મૂક્યું હતું.

શૌચ ક્રિયાના પણ રૂપિયા કમાવવાનો 'બિઝનેસ'?

શૌચાલય તોડી પાડ્યા બાદ સતત ત્રણ વર્ષ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી ન હતી. લોકોની સતત માંગ બાદ હવે નગરપાલિકાએ અહીં એક મોંઘુદાટ ડિજિટલ ટોયલેટ મૂક્યું છે, જેમાં પ્રવેશ માટે 10 રૂપિયા ચૂકવવા પડે છે.

સ્થાનિકો અને રીક્ષા ચાલકોનો આક્ષેપ છે કે, લોકોની મૂળભૂત જરૂરિયાત એવા શૌચાલયને તોડી પાડીને, હવે ખર્ચાળ ડિજિટલ શૌચાલય મૂકીને સરકારે 'શૌચ ક્રિયાના પણ રૂપિયા કમાવવા' માટે એક નવો બિઝનેસ શરૂ કર્યો છે.    આ વિસ્તારના લોકોની સ્પષ્ટ માંગ છે કે પહેલાં જેવું વિનામૂલ્યે ચાલતું શૌચાલય ફરીથી બનાવી આપવામાં આવે, જેથી ગરીબ અને સામાન્ય મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે.

આ સમાચાર શેર કરો